સામેથી મહિલા અને બાળકો પસાર થઈ રહ્યાં હતાં છતાં બસ ચલાવી મૂકી, એક વર્ષના છોકરાનો જીવ ગયો
CCTV વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
તળ મુંબઈની ખેતવાડી દસમી ગલીમાં ગઈ કાલે એક સ્કૂલ-બસના ડ્રાઇવરે બેદરકારીપૂર્વક બસ ચલાવીને એક મહિલા અને તેની સાથેનાં બે બાળકોને અડફેટે લેતાં એક બાળકનું મોત થયું હતું. આ આખી ઘટના ત્યાં લગાવવામાં આવેલા CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી.
CCTV કૅમેરાનાં ફુટેજ જોતાં જણાઈ આવે છે કે ડી. જી. સોમાણી સ્કૂલની એ બસમાંથી જ તે છોકરી ઊતરી હતી. તેને લેવા તેની ગ્રૅન્ડમધર છોકરીના નાના એક વર્ષના ભાઈને લઈને આવી હતી. એ ગ્રૅન્ડમધર છોકરીને લઈને ઊભી રહેલી બસની આગળથી પસાર થાય છે ત્યારે બસ-ડ્રાઇવર બસ ચાલુ કરી દે છે અને મહિલા અને બાળકોને અડફેટે લે છે. મોટી બાળકી બસથી ફુટપાથ તરફ ફંગોળાઈ જાય છે, પણ તેને લેવા આવેલી તેની ગ્રૅન્ડમધર તેના ભાઈ સાથે બસ હેઠળ આવી જાય છે અને બસનું આગળનું જમણી તરફનું પૈડું એક વર્ષના નાના ભાઈ પરથી ફરી જાય છે. તરત જ બીજા લોકો દોડી આવે છે અને ડ્રાઇવરને બસ પાછળ લેવા જણાવે છે.
ADVERTISEMENT
આ બાબતે માહિતી આપતાં ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન દળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું હતું ‘અકસ્માતની આ ઘટના બપોરે બારથી ૧૨.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. અમે ડી. જી. સોમાણી સ્કૂલ-બસના ડ્રાઇવરની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.’


