Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મરતી માતાને બચાવવામાં પુત્રએ પણ કર્યું મોતને વહાલું

મરતી માતાને બચાવવામાં પુત્રએ પણ કર્યું મોતને વહાલું

04 December, 2023 08:10 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

ખાટલે પડેલી માતાને છોડીને જવાનું મન ન માનતાં દીકરાએ તેને બચાવવા છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યા એમાં તેનું પણ થયું મૃત્યુ : જોકે ધીરેન શાહે પરિવારને બચાવીને છેલ્લે સુધી લડત આપી

ગિરગામ ચોપાટી પાસે આવેલા ગોમતી ભવનમાં શનિવારે રાતે આગ લાગી હતી. આ આગમાં બે જણનાં મૃત્યુ થયાં હતાં (તસવીર : અતુલ કાંબળે)

ગિરગામ ચોપાટી પાસે આવેલા ગોમતી ભવનમાં શનિવારે રાતે આગ લાગી હતી. આ આગમાં બે જણનાં મૃત્યુ થયાં હતાં (તસવીર : અતુલ કાંબળે)


ગિરગામ ચોપાટી પાસેના રાંગણેકર માર્ગ પર આવેલા ગોમતી ભવનમાં શનિવારે રાતે લાગેલી આગમાં ૮૨ વર્ષનાં નલિની શાહ અને તેમના ૬૦ વર્ષના દીકરા ધીરેન શાહનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે તેમના પરિવારના અન્ય સભ્યો અને મકાનના બીજા રહેવાસીઓ બચી ગયા હતા. ધીરેન શાહ પણ બચી શક્યા હોત, પણ તેમને તેમની ૮૨ વર્ષની પથારીવશ વૃદ્ધ માને છોડીને જવાનું ઉચિત ન લાગ્યું. તેમણે તેમનાં પત્ની, બાળકો, પૌત્ર, ભાઈ બધાને નીકળી જવા કહ્યું અને પોતે માતાને બચાવવાના પ્રયાસ કરતા રહ્યા. તેમનો મૃતદેહ બાથરૂમમાંથી ફાયર બ્રિગેડને મળી આવ્યો હતો, જ્યારે તેમની માતા જે પથારીવશ હતાં તેમનો મૃતદેહ બેડરૂમમાંથી મળી આવ્યો હતો. એથી એવી સંભાવના છે કે તેઓ બાથરૂમમાંથી પાણી લાવી-લાવીને છેલ્લી ઘડી સુધી આગ ઠારવાના અને માતાને બચાવવાના પ્રયાસ કરતા રહ્યા હશે. મિત્રો, સંબંધીઓ અને પાડોશીઓને તે બંનેનાં મૃત્યુની જાણ થઈ ત્યારે ધીરેનભાઈના માતૃપ્રેમને યાદ કરીને તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા.

ગોમતી ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં સલોની શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગ્રાઉન્ડ ફ્લોર પર રહીએ છીએ. રાતે ૯.૩૦ વાગ્યે આગ લાગી હતી. એ ક્યાંથી અને કેવી રીતે લાગી એની અમને પણ જાણ નથી. અમે જ્યારે ઘરનો મેઇન ડોર ખોલ્યો ત્યારે સામે જ આગની જ્વાળાઓ લબકારા મારતી દેખાતાં તરત જ અમે મેઇન ડોર બંધ કરી દીધો હતો અને પાછળની તરફ આવેલી ગ્રિલ પાસે પહોંચી ગયા હતા અને ત્યાંથી મદદ માટે બૂમાબૂમ કરવા માંડી હતી. ફાયર બ્રિગેડે અમને અમારી ગ્રિલ કાપીને બહાર કાઢ્યા હતા. જોકે સૌથી મોટી ટ્રૅજેડી ધીરેનભાઈ સાથે થઈ. તેમનાં મમ્મી ઘરે બેડ પર જ હતાં. ધીરેનભાઈ મૂળ સ્થાનકવાસી જૈન છે અને તેમનું જૉઇન્ટ ફૅમિલી છે. તે અને તેમના ભાઈ બધા સાથે જ રહેતા હતા. આગ લાગ્યા બાદ તેમણે તેમનાં પત્ની, દીકરો, દીકરાનો પણ દીકરો, ભાઈ અને તેનો પરિવાર એમ બધાને નીકળી જવા કહ્યું અને પોતે મમ્મીને બચાવવાના પ્રયાસ કરતા રહ્યા હતા. આખરે મમ્મીને બચાવવા જતાં તેમણે પણ જીવ ગુમાવ્યો હતો.’બીજા માળે રહેતા અને બીડીબીમાં હીરાનું કામકાજ ધરાવતા શૈલેશભાઈના પરિવારને પણ ફાયર બ્રિગેડે પાછળની ગ્રિલ તોડીને બચાવ્યો હતો. આ દુર્ઘટનાથી મકાનના રહેવાસીઓ પર બહુ જ અસર થઈ હતી અને ગઈ કાલે પણ તેઓ એ આઘાતમાંથી બહાર નહોતા નીકળી શક્યા.


આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનાં ફાયર ​એન્જિન અને જમ્બો ટૅન્કર્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. જોકે આગનો વ્યાપ જોઈને ફાયર બ્રિગેડે લેવલ-૩ની આગ જાહેર કરી હતી અને ૮ ફાયર એન્જિન અને ૬ જમ્બો ટૅન્કરની મદદથી આગ ઓલવવાનું ઑપરેશન ચાલુ કર્યું હતું. લોકોને બચાવવા લોખંડની ગ્રિલ પણ તોડી હતી.    

આ દુર્ઘટના વિશે માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘આગ લાગી એ ગોમતી ભવન વર્ષો જૂનું મકાન છે. એના ટૉપ ફ્લોર પર છતમાં લાકડાની ફ્રેમ છે અને એના પર વિલાયતી નળિયાં બેસાડેલાં છે. આગ લાગ્યા બાદ મોટા ભાગના રહેવાસીઓને બચાવી લેવાયા છે. બીએમસી પ્રશાસન અને પોલીસે પણ મકાનના રહેવાસીઓ માટે બાજુના એક હૉલમાં ટેમ્પરરી અકૉમોડેશન આપવાની તૈયારીઓ રાખી હતી, પણ રહેવાસીઓ હાલ પોતાની રીતે મૅનેજ કરી રહ્યા છે. તેમણે ટેમ્પરરી અકૉમોડેશનની ના પાડી છે. ચાર માળના મકાનમાં દરેક ફ્લોર પર બે જ ફ્લૅટ છે. કોઈ એક ફ્લોર પર ત્રણ ફ્લૅટ છે. કુલ મળીને ટોટલ નવ ફ્લૅટ જ છે. અમે તેમને પૂરતો સહકાર આપી રહ્યા છીએ. કુલ નવ જણને બચાવીને હાલ સારવાર માટે જે. જે.માં લઈ જવાયા છે. એ તમામની તબિયત સ્ટેબલ છે અને કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી. આ ઉપરાંત બંને મૃતકોના મૃતદેહને પણ જે. જે. હૉસ્પિટલમાં ઑટોપ્સી માટે મોકલાવામાં આવ્યા હતા.’ 
ગઈ કાલે આગ ઓલવી લીધાના કલાકો બાદ રહેવાસીઓને તેમના ઘરમાં જઈને કીમતી સામાન, જરૂરી દસ્તાવેજો વગેરે લેવા જવાની છૂટ આપવામાં આવી હતી.  


આ ઘટનાની જાણ થતાં વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા પણ રાતે જ ઘટનાસ્થળે ધસી ગયા હતા. સવારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ગોમતી ભવન પહોંચી ગયા હતા અને બચાવકાર્ય પર નજર નાખીને મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી અને ​મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની સરકારી સહાય જાહેર કરી હતી.  

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2023 08:10 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK