વીક-એન્ડ અને તહેવારો છતાં દૈનિક મુસાફરોની સંખ્યામાં ૩.૩૫ ટકાનો વધારો નોંધાયો છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા સંચાલિત મુંબઈ મેટ્રો નેટવર્કે ૨૦૨૨ના એપ્રિલમાં સર્વિસ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં ૩૦ કરોડ પ્રવાસીઓની મુસાફરીનો મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન પાર કરી લીધો છે. ૩ ઑગસ્ટે મેટ્રો ૨A, 7, 2B ફેઝ-વન અને મેટ્રો 9 ફેઝ-વનના આખા નેટવર્કમાં મળીને આ ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ હતી.
MMRDAએ આપેલી માહિતી મુજબ છેલ્લા પાંચ કરોડ પ્રવાસીઓ માત્ર ૧૭૯ દિવસમાં ઉમેરાયા છે. અત્યારે સરેરાશ દૈનિક પ્રવાસીઓની સંખ્યા વધીને આશરે ૨.૭૯ લાખ થઈ ગઈ છે જે અગાઉના માઇલસ્ટોન સમયે ૨.૭૦ લાખ હતી. વીક-એન્ડ અને તહેવારો છતાં દૈનિક મુસાફરોની સંખ્યામાં ૩.૩૫ ટકાનો વધારો નોંધાયો છે.
૨૦૨૨ની બીજી એપ્રિલે મેટ્રો 2A (દહિસર-ઈસ્ટથી અંધેરી-વેસ્ટ) અને મેટ્રો 7 (દહિસર-ઈસ્ટથી ગુંદવલી)ના ઉદ્ઘાટન બાદથી પ્રવાસીઓની સંખ્યામાં સારો વધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ નેટવર્કનો વિસ્તાર કરીને લાઇન 2B ફેઝ-વન (ડાયમન્ડ ગાર્ડનથી માંડલે) અને લાઇન 9 ફેઝ-વન (દહિસર-ઈસ્ટથી કાશીગાંવ)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
MMRDAના મેટ્રો મુસાફરોના માઇલસ્ટોન
સપ્ટેમ્બર ૨૦૨૨માં ૫૦ લાખ પ્રવાસીઓ
સપ્ટેમ્બર ૨૦૨૩માં પાંચ કરોડ
મે ૨૦૨૪માં ૧૦ કરોડ
જાન્યુઆરી ૨૦૨૫માં ૧૫ કરોડ
ઑગસ્ટ ૨૦૨૫માં ૨૦ કરોડ
ફેબ્રુઆરી ૨૦૨૬માં ૨૫ કરોડ
૨૦૨૬ની ૩ ઑગસ્ટે ૩૦ કરોડ પ્રવાસીઓ
