Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઝૂંપડપટ્ટીના લોકોને અઢી લાખ રૂપિયામાં મળશે ફ્લૅટ

ઝૂંપડપટ્ટીના લોકોને અઢી લાખ રૂપિયામાં મળશે ફ્લૅટ

26 May, 2023 09:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીએમસીની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે ત્યારે સત્તા મેળવવા માટે મહાવિકાસ આઘાડી અને સત્તાધારી બીજેપી અને એકનાથ શિંદે શિવસેના દ્વારા વિવિધ પ્રયાસ કરાઈ રહ્યા છે.

તસવીર: સમીર માર્કન્ડે

તસવીર: સમીર માર્કન્ડે



મુંબઈ : બીએમસીની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની શક્યતા છે ત્યારે સત્તા મેળવવા માટે મહાવિકાસ આઘાડી અને સત્તાધારી બીજેપી અને એકનાથ શિંદે શિવસેના દ્વારા વિવિધ પ્રયાસ કરાઈ રહ્યા છે. એવામાં મુંબઈમાં રહેતા લાખો લોકોને ખુશ કરીને તેમના મત અંકે થઈ શકે એવો નિર્ણય રાજ્ય સરકારે ગઈ કાલે લીધો હતો. મુંબઈમાં ઝૂંપડાંમાં રહેતા લોકોને માત્ર અઢી લાખ રૂપિયામાં ફ્લૅટ આપવાની જાહેરાત નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહનિર્માણપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. પહેલી જાન્યુઆરી ૨૦૦૦થી પહેલી જાન્યુઆરી ૨૦૧૧ સુધીના સમયમાં મુંબઈમાં બાંધવામાં આવેલાં ઝૂંપડાંને કાયદેસરનાં ગણાવીને અહીં રહેતા લોકોને તેમના હકનો ફ્લૅટ આપવામાં આવશે. આમ જોવા જઈએ તો આ જાહેરાત રાજ્ય સરકારની છે, પણ બીજેપી બીએમસીમાં ઉદ્ધવ ઠાકરે જૂથને હટાવીને સત્તા મેળવવા માગે છે એટલે બીજેપીનો આ માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે, કારણ કે કોઈ પણ ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ઝૂંપડાંમાં રહેતા લોકો જ કરે છે એટલે તેમને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી હોવાનું કહેવાય છે.
રાજ્ય સરકારના ગૃહનિર્માણ મંત્રાલય દ્વારા ગઈ કાલે કાઢવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત પહેલી જાન્યુઆરી ૨૦૦૦થી પહેલી જાન્યુઆરી ૨૦૨૧ સુધીના સમયમાં અસ્તિત્વમાં આવેલા ઝૂંપડાવાસીઓને અઢી લાખ રૂપિયા ભરીને પાકું ઘર આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો એને મંજૂરી આપવામાં આવી છે.
ગૃહનિર્માણ વિભાગના ૨૦૧૮ની ૧૬ મેના નિર્ણયની જોગવાઈ મુજબ ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનામાં સશુલ્ક પુનર્વસન યોગ્ય ઝૂંપડાધારકોને પુનર્વસન તરીફે અઢી લાખ રૂપિયામાં ફ્લૅટ આપવામાં આવશે. આ માટે જરૂરી શરતો મુખ્યય કાર્યકારી અધિકારી, ઝૂંપડપટ્ટી પુનર્વસન ઑથોરિટી નક્કી કરશે.
ઠાકરે જૂથના વધુ સાંસદો ફૂટશે?
એકનાથ શિંદે જૂથના સાંસદ કૃપાલ તુમાનેએ ગઈ કાલે દાવો કર્યો હતો કે ઠાકરે જૂથમાં સામેલ શિવસેનાના વધુ સાંસદો ટૂંક સમયમાં ફૂટશે અને તેઓ એકનાથ શિંદે જૂથમાં જોડાઈ જશે. સાંસદ કૃપાલ તુમાનેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સંજય રાઉત ભલે કહેતા હોય કે એકનાથ શિંદે જૂથમાં સામેલ થયેલા શિવસેનાના ૧૩ સાંસદ ફરી નહીં ચૂંટાય. તેમની વાતમાં કોઈ દમ નથી. તમામ સાંસદ ફરી ચૂંટાશે એટલું જ નહીં, અત્યારે ઠાકરે સાથે છે એ સાંસદો પણ ટૂંક સમયમાં અમારી સાથે આવશે. આ સાંસદો સાથે અમારી બેઠક થઈ છે. આથી ઠાકરે જૂથમાં ફરી ભંગાણ થશે. માત્ર સાંસદ જ નહીં, શિવસેનાના કેટલાક વિધાનસભ્યો પણ ટૂંક સમયમાં પાલો બદલશે. લોકસભાની આગામી ચૂંટણીમાં અમારી સાથેના ૧૩ સાંસદો જે બેઠક પરથી ચૂંટાયા છે તેમને ત્યાંથી જ ટિકિટ આપવામાં આવશે. બાકીની બેઠકોનો નિર્ણય મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ લેશે.’
ફરી કાકા-ભત્રીજા સામસામે
એનસીપીમાં સુકાન હાથમાં લેવા બાબતે કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચેની ખેંચતાણ ચાલી રહી છે ત્યારે હવે એનસીપીના કાકા અને કૉન્ગ્રેસના ભત્રીજા સામસામે આવ્યા હોવાનું જાણવા મળ્યં હતું. કૉન્ગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા ભૂતપૂર્વ વિધાનસભ્ય આશિષ દેશમુખે કાકા અનિલ દેશમુખ સામે બાંયો ચડાવી છે. વાત એમ છે કે નાગપુર નજીકની નારખેડ એપીએમસીમાં એનસીપીના નેતા અનિલ દેશમુખની બોલાબાલા છે. તેમના ભત્રીજા આશિષ દેશમુખે આ માર્કેટના સભાપતિ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આશિષ દેશમુખે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પાસે આવો પ્રસ્તાવ કર્યો છે. આવતી કાલે મતદાન છે ત્યારે કાકા-ભત્રીજાની લડાઈ જોવા મળશે.
શિવસેના લોકસભાની 
૨૨ બેઠક પરથી લડશે
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે એકનાથ શિંદેની શિવસેના અને બીજેપી કેટલી બેઠકો લડશે એ બાબતે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વર્ષા બંગલામાં શિવસેનાના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની ૪૮ લોકસભા બેઠકમાંથી ૨૨ બેઠક શિવસેના લડશે એવો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સાંસદ ગજાનન કીર્તિકરે માહિતી આપી હતી કે આવતા વર્ષે માર્ચથી મે મહિના દરમ્યાન લોકસભાની ચૂંટણી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં અત્યારે બીજેપી સાથેની યુતિ સરકાર છે એટલે અમે રાજ્યની ૪૮ લોકસભા બેઠકમાંથી ૨૨ બેઠક લડવાનો નિર્ણય લીધો છે. ગઈ ચૂંટણીમાં શિવસેનાના ૧૮ સાંસદ ચૂંટાઈ આવ્યા હતા. બાકીની ૪ બેઠક પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કોને ટિકિટ ફાળવવી એનો નિર્ણય લેશે.’

અ​રવિંદ કેજરીવાલને મળ્યો શરદ પવારનો સાથ
કેન્દ્ર સરકારે દિલ્હી સરકારના અધિકારીઓની બદલી સંબંધીના નિર્ણય બાબતે કેન્દ્ર સરકારે વટહુકમ જારી કર્યો છે ત્યારે રાજ્યસભામાં મતદાન થાય તો પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ વિરોધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે. મંગળવારે મમતા બૅનરજી અને ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ ગઈ કાલે કેજરીવાલ પ્રતિનિધિમંડળ સાથે એનસીપીના ચીફ શરદ પવારને મળ્યા હતા. કેન્દ્ર સરકારની જોહુકમી ચલાવી નહીં લેવાય એમ કહીને અરવિંદ કેજરીવાલે બીજેપી પર પ્રહાર કર્યા હતા અને શરદ પવારને સમર્થન આપવાની વિનંતી કરી કરતા શરદ પવારે લોકતંત્રને બચાવવા કેજરીવાલને સપોર્ટ કરવાની જાહેરાત કરી હતી.
 


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK