દિલ્હી પોલીસે વસઈની માણેકપુર પોલીસની મદદથી ભાઈંદર ખાડીમાં બોટ લઈને સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.

શ્રદ્વા મર્ડરકેસની તપાસ ભાઈંદર ખાડી સુધી પહોંચી છે અને ગઈ કાલે ખાડીમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું.
મુંબઈ: શ્રદ્વા મર્ડરકેસ સામે આવ્યા બાદ અત્યાર સુધી તે આખા દેશમાં ગરમાયેલો જોવા મળે છે. એ સાથે દરરોજ નવી-નવી વાતો સુધ્ધાં સામે આવી રહી છે. એવામાં ગઈ કાલે દિલ્હી પોલીસે વસઈની માણેકપુર પોલીસની મદદથી ભાઈંદર ખાડીમાં બોટ લઈને સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. ગઈ કાલે બપોરથી આ ઑપરેશન હાથ ધરાયું હતું અને ફરી કોઈ નવી વાત અહીંથી જાણવા મળે એવી શક્યતા છે. આફતાબ વસઈ આવ્યો હતો ત્યારે શ્રદ્વાનો ફોન અને અન્ય કોઈ પુરાવા ખાડીમાં ફેંક્યા હોવાની શક્યતાના આધારે સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે.
શ્રદ્ધા વાલકર મર્ડરકેસમાં દિલ્હી પોલીસ છેલ્લા અનેક દિવસથી વસઈમાં આવીને આ કેસની તપાસ કરી રહી છે. એક પછી એક કડી જોડીને કેસની માહિતી ભેગી કરી છે. છેલ્લે દિલ્હી પોલીસે શ્રદ્ધાના પ્રેમી આફતાબ પૂનાવાલાની ડેટિંગ ઍપ પર થયેલી ત્રણ મિત્રોની પણ પૂછપરછ કરી હતી. હવે દિલ્હી પોલીસે માણેકપુર પોલીસ સ્ટેશનની મદદે ગઈ કાલે બપોરથી ભાઈંદર ખાડીમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે. આ વિશે માણેકપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંપતરાવ પાટીલે આપેલી માહિતી પ્રમાણે, ખાડી વિસ્તારમાં આફતાબના મોબાઇલનું લોકેશન મળી આવતાં શંકા ઊભી થઈ છે. પોલીસને શંકા છે કે આફતાબ વસઈમાં આવ્યો હતો ત્યારે તેણે શ્રદ્ધાનો મોબાઇલ ફોન કે કેટલાક પુરાવા ખાડીમાં ફેંકી દીધા હશે. એ હેતુથી આ કામગીરી ચાલી રહી છે. આને માટે માણિકપુર પોલીસની મદદથી સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. આ ઑપરેશન માટે તરવૈયાઓ જે પાણીના ઊંડાણ સુધી જાય તેમની અને સ્થાનિક લોકોની પણ મદદ લીધી છે અને ગઈ કાલ બપોરથી સર્ચ ઑપરેશન ચાલુ છે.’