પાણીપૂરી ખાવા માટે નીકળેલી ભાઈંદરની ગુજરાતી મહિલાની આંખમાં સ્પ્રે મારીને અઢી તોલાનું મંગળસૂત્ર તફડાવી ગયો ચોર
લક્ષ્મી ચૌહાણનું ચોરાયેલું મંગળસૂત્ર.
ભાઈંદર-વેસ્ટના નેહરુનગરમાં રહેતી ૩૫ વર્ષની લક્ષ્મી ચૌહાણ સોમવાર સાંજે મૅક્સસ મૉલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યા યુવાને તેને રોડ વચ્ચે અટકાવી હતી અને તેની આંખમાં ઘાતક સ્પ્રે મારીને આશરે અઢી લાખ રૂપિયાનું મંગળસૂત્ર તડફાવી ગયો હતો. મૅક્સસ મૉલમાં પાણીપૂરી ખાવા લક્ષ્મી ચૌહાણ તેમની જેઠાણી પિન્કી અને ભત્રીજી ડૉલી સાથે જઈ રહી હતી ત્યારે એકાએક સામે આવેલી વ્યક્તિએ ત્રણેની આંખોમાં સ્પ્રે માર્યું હતું. એમાં ત્રણેની આંખોમાં બળતરા થતી હોવાનો ફાયદો ઉઠાવીને ગઠિયો સોનાનું મંગળસૂત્ર તડફાવી ગયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે આરોપીને શોધવા જુદી-જુદી ટીમો બનાવી છે.
લક્ષ્મી ચૌહાણે ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાલાસોપારામાં રહેતી મારી જેઠાણી પિન્કી અને તેની પુત્રી ડૉલી સોમવારે સાંજે મારા ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ અમે રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસ મૅક્સસ મૉલમાં પાણીપૂરી ખાવાનું નક્કી કરીને ઘરેથી ત્યાં જવા ચાલતાં નીકળ્યાં હતાં. મૅક્સસ મૉલની નજીક પહોંચતાં એકાએક એક અજાણ્યો યુવાન અમારી સામે આવ્યો હતો. અમે શું જોઈએ છે એટલું પૂછવા જઈએ એ પહેલાં તે યુવાને ખિસ્સામાં રાખેલું સ્પ્રે મારી અને મારી જેઠાણી તથા ભત્રીજીની આંખમાં મારી દીધું હતું. એને કારણે અમારી આંખમાં આગના ગોળા ફૂટ્યા હોય એવો દુખાવો થવા માંડ્યો હતો. એનો ફાયદો ઉઠાવીને સામે આવેલો માણસ મેં ગળામાં પહેરેલું મંગળસૂત્ર ખેંચીને નાસી ગયો હતો. આશરે એક કલાક સુધી અમે આંખ જ ખોલી શક્યાં નહોતાં. ત્યાં નજીકમાં ઊભેલા લોકોની મદદથી અમે હૉસ્પિટલમાં ઇલાજ માટે પહોંચ્યાં હતાં, જ્યાં ડૉક્ટરે ફર્સ્ટ એઇડ આપ્યા બાદ મને થોડી રાહત થઈ હતી. ત્યાર બાદ મેં આ ઘટનાની ફરિયાદ ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. હાલમાં મને આંખમાં તકલીફ ઓછી છે, પણ ગળું ખૂબ જ દુખે છે. મારી જેઠાણીને આંખમાં દુખાવો હજી પણ એવો જ છે એટલી તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.’
ADVERTISEMENT
ભાઈંદર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બાદ અમે આરોપીને શોધવા વિવિધ ટીમો બનાવી છે જેઓ અલગ-અલગ ઍન્ગલ પર કામ કરી રહી છે. મહિલાઓની આંખમાં સ્પ્રે મારી જનાર આરોપીની ઓળખ કરવા ઘટના નજીકના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે.’


