૨૪ કલાક પ્રવાસીઓથી ધમધમતા પુણેના સ્વારગેટ ડેપોમાં વહેલી સવારે ૨૬ વર્ષની યુવતી પર બસની અંદર થયેલા બળાત્કારને પગલે રાજ્યમાં ખળભળાટ
પુણેના સ્વારગેટ બસ-ડેપોમાં જે બસમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો એ બસની પોલીસે તપાસ કરી હતી.
પોતાના ગામ જવા બસની રાહ જોઈને ઊભી રહેલી મહિલાને ગેરમાર્ગે દોરીને આરોપી એક બસ સુધી લઈ ગયો : પીડિતા જેવી બસની અંદર ગઈ કે તરત જ પોતે પણ એમાં ચડ્યો અને બસ લૉક કરી દીધી : ત્યાર બાદ નરાધમે મહિલાને મારી નાખવાની ધમકી આપીને રેપ કર્યો
પુણેના સ્વારગેટ બસ-ડેપોમાં ગઈ કાલે વહેલી સવારે ૨૬ વર્ષની એક યુવતી પર શિવશાહી બસમાં એક યુવકે બળાત્કાર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. સ્વારગેટ ડેપો કાયમ પ્રવાસીઓથી ધમધમતો રહે છે ત્યારે સલામત ગણાતા ડેપોમાં આ ઘટના બનવાથી આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. બસની રાહ જોઈ રહેલી પીડિત યુવતીને આરોપીએ ડેપોમાં જ સામે ઊભી રહેલી બસ ફલટણની હોવાનું કહીને તેને બસ સુધી લઈ જવાનું કહ્યું હતું, પરંતુ બસમાં લાઇટ બંધ હોવાથી યુવતી બસમાં જતાં અચકાઈ હતી. જોકે આરોપીએ પોતે બસનો કન્ડક્ટર હોવાનું કહ્યું હતું એટલું જ નહીં, તેણે પીડિત યુવતીને કહ્યું હતું કે બસમાં પૅસેન્જર બેઠા છે, વિશ્વાસ ન હોય તો ટૉર્ચથી જોઈ લે. આરોપી પર વિશ્વાસ રાખીને મહિલા બસમાં ચડી કે તરત જ તેની પાછળ આરોપી બસમાં ગયો હતો. તેણે બસનો દરવાજો બંધ કરીને યુવતી સાથે જબરદસ્તી કરવાની શરૂઆત કરી હતી. યુવતીએ પ્રતિકાર અને બૂમાબૂમ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી મહિલા ઢીલી પડી જતાં બળાત્કારનો ભોગ બની હતી. બળાત્કાર કર્યા બાદ આરોપી યુવક બસમાંથી ઊતરીને પલાયન થઈ ગયો હતો.
ADVERTISEMENT
યુવતીએ બાદમાં આ વિશે તેના પરિવાર અને ફ્રેન્ડને જાણ કરતાં તેમણે પોલીસ-સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવા કહ્યું હતું.
કોણ છે પીડિતા?
સ્વારગેટ પોલીસ-સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ પીડિત યુવતી પુણેમાં જૉબ કરે છે. મહાશિવરાત્રિની રજા હોવાથી સવારે તે પોતાના ગામ ફલટણ જવા માટે ડેપોમાં ગઈ હતી. બસની રાહ જોતી હતી ત્યારે એક યુવક તેની પાસે ગયો હતો અને વાત કરવા લાગ્યો હતો.
ફરિયાદમાં શું લખાવ્યું?
ફરિયાદમાં શું નોંધાવ્યું છે એ વિશે એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘પીડિત મહિલા ડેપોમાં બસની રાહ જોતી હતી ત્યારે ત્યાં બીજી એક વ્યક્તિ પણ હતી. આરોપી યુવતી સાથે વાતચીત કરવા લાગ્યો હતો ત્યારે ત્યાં બેસેલી વ્યક્તિ જતી રહી હતી. આરોપી દત્તાત્રય ગાડેએ યુવતીને એકલી જોઈને મીઠી-મીઠી વાતથી ઓળખાણ કરવાની શરૂઆત કરી હતી. ક્યાં જાય છે તાઈ (બહેન) એવું પૂછતાં યુવતીએ ફલટણ જઈ રહી હોવાનું કહ્યું હતું. આ સાંભળીને આરોપીએ કહ્યું હતું કે સાતારાની બસ સામેની બાજુએ ઊભી છે. મહિલાએ જવાબ આપ્યો હતો કે સાતારાની બસ અહીં જ આવે છે, પણ આરોપીએ કહ્યું હતું કે સાતારાની બસ હવે બીજેથી ઊપડે છે; ચલ તાઈ, હું તને ત્યાં લઈ જાઉં છું. આરોપીએ વાતચીતમાં તાઈ સંબોધન કર્યું હતું એટલે તેના પર વિશ્વાસ કરીને મહિલા એ બસ સુધી ગઈ હતી.
બસમાં લાઇટ બંધ હતી
પોલીસના જણાવ્યા મુજબ આરોપી દત્તાત્રય ગાડેની સાથે મહિલા બસ પાસે પહોંચી ત્યારે એમાં લાઇટ બંધ હતી એટલે અંદર જવું કે નહીં એનો વિચાર કરતી હતી ત્યારે આરોપીએ તેને બસમાં પૅસેન્જર સૂતા છે એટલે લાઇટ બંધ કરી દેવામાં આવી હોવાનું કહ્યું હતું. આથી તેની વાત પર વિશ્વાસ મૂકીને તે બસમાં ચડી હતી. જોકે આરોપી તરત જ તેની પાછળ બસમાં ચડી ગયો હતો અને દરવાજો લૉક કરી દીધો હતો.
CCTV કૅમેરામાં શું જોવા મળ્યું?
આરોપી દત્તાત્રય ગાડે.
પીડિત મહિલા સવારે ૫.૩૦ વાગ્યે સ્વારગેટ બસ-ડેપોમાં ઊભી હતી ત્યારે તેની પાસે આરોપી યુવક પણ હોવાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં જણાઈ આવ્યું છે. પોલીસે આ ફુટેજને આધારે બળાત્કાર કરનાર યુવક રીઢો ગુનેગાર દત્તાત્રય ગાડે હોવાનું જણાઈ આવતાં ગઈ કાલે સાંજ સુધીમાં આરોપીના ભાઈને તાબામાં લીધો હતો અને આરોપીને શોધવા માટે ટીમો બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. એક મહિલા પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ પીડિત યુવતીએ આરોપી યુવક પર વિશ્વાસ મૂકીને મોટી ભૂલ કરી.
ડેપોમાં બીજી બસોમાંથી કૉન્ડોમ, અન્ડરવેઅર મળી આવ્યાં


મહિલા પર બસની અંદર બળાત્કાર થવાની ઘટના બાદ ઉદ્ધવસેનાના કાર્યકરોએ ગઈ કાલે સ્વારગેટ ડેપોમાં અંદર જઈને જેમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો એ બસ અને સિક્યૉરિટી ગાર્ડની ચોકીની તોડફોડ કરી હતી. તેમને ડેપોમાં લાંબા સમયથી પડી રહેલી બંધ બસોમાં કૉન્ડોમનાં પૅકેટ, અન્ડરવેઅર અને સાડી સહિતની વસ્તુઓ મળી આવી હતી.


