પાંચના મૃતદેહ મળ્યા, એક લાપતા અને એક હૉસ્પિટલમાં ઍડ્મિટ
પુણેની સૈનિક ઍકૅડેમીના સાત સ્ટુડન્ટ સમુદ્રમાં ડૂબ્યા
મુંબઈ ઃ પુણેમાં આવેલી એક પ્રાઇવેટ સૈનિક ઍકૅડેમીના સાત સ્ટુડન્ટ ગઈ કાલે બપોરે સિંધુદુર્ગના દેવગડ ખાતેના સમુદ્રમાં નાહવા ગયા હતા ત્યારે પાણીમાં ડૂબી ગયા હતા. આમાંથી ચાર યુવતી અને એક યુવકના મૃતદેહ હાથ લાગ્યા છે, એક યુવકનો પત્તો નથી લાગ્યો અને એક યુવકને સમુદ્રમાંથી બહાર કાઢીને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સ્થાનિક દેવગડ પોલીસના જણાવ્યા મુજબ પુણેમાં પિંપરી-ચિંચવડ ખાતે આવેલી પ્રાઇવેટ સૈનિક ઍકૅડેમીના ૩૫ સ્ટુડન્ટ્સનું ગ્રુપ દેવગડ પહોંચ્યું હતું. આમાંથી ચાર યુવતી અને બે યુવક અહીંના સમુદ્રમાં બપોર બાદ ચારેક વાગ્યે નાહવા માટે ગયાં હતાં. અચાનક તેઓ ડૂબવા માંડ્યાં હતાં. તેમને બચાવવા માટે સ્થાનિક માછીમારોએ પ્રયાસ કર્યા હતા; પરંતુ પ્રેરણા ડોંગરે, અંકિતા ગાલટે, અનીતા પડવળ, પાયલ બનસોડે, રામ ડિચોલકર સહિતના સ્ટુડન્ટ્સ સુધી તેઓ પહોંચે એ પહેલાં આ તમામનાં મૃત્યુ થઈ ગયાં હતાં. એક અજાણ્યા યુવકને સમુદ્રમાંથી બહાર કાઢીને નજીકની સરકારી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. સમુદ્રમાં નાહવા ગયેલા સાતમા સ્ટુડન્ટનો પત્તો નહોતો લાગ્યો.
પર્યટનની દૃષ્ટિએ દેવગડનો સમુદ્રકિનારો એવો ફેમસ નથી, પણ અહીં પવનક્કી ગાર્ડન બન્યા બાદ પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. આ ગાર્ડનમાં ફરવા માટે સ્થાનિકોની સાથે બહારના પર્યટકો આવવા લાગ્યા છે. આવી જ રીતે પુણેની સૈનિક ઍકૅડેમીના સ્ટુડન્ટ્સ અહીં સવારના સમયે પહોંચ્યા હતા અને બપોર બાદ એમાંથી સાત સ્ટુડન્ટ્સ સમુદ્રમાં નાહતી વખતે ડૂબી ગયા હતા.