વર્ધામાં BJPના વરિષ્ઠ નેતા દત્તા મેઘેના ભત્રીજા અભ્યુદય મેઘેએ કૉન્ગ્રેસમાં પ્રવેશ કર્યો
અભ્યુદય મેઘેએ ગઈ કાલે મુંબઈ આવીને કૉન્ગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવાર સામે ભત્રીજા અજિત પવારે બળવો કર્યા બાદ મહારાષ્ટ્રમાં ગઈ કાલે વધુ એક ભત્રીજાએ કાકા સામે બળવો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વર્ધાના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય દત્તા મેઘેના ભત્રીજા અભ્યુદય મેઘેએ ગઈ કાલે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેની હાજરીમાં મુંબઈમાં કૉન્ગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. દત્તા મેઘે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના મિત્ર છે. દત્તા મેઘે ચાર વખત કૉન્ગ્રેસમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં તેમણે BJPમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કરીને સત્તાધારી શિવસેના અને BJPની આગેવાનીની સરકારમાં સામેલ થયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. લોકસભાની ચૂંટણીમાં પણ બારામતી બેઠકમાં કાકા-ભત્રીજા વચ્ચે જોરદાર જંગ જોવા મળ્યો હતો.


