આ ઉપરાંત લોકોમાં જાગરૂકતા આવે એ માટે થોડા-થોડા દિવસે મૉક ડ્રિલનું પણ આયોજન કરવામાં આવશે
બોરીવલીના કાણકિયા સમર્પણ ટાવરની ડક્ટમાં આગ લાગ્યા બાદ હાલમાં આ પરિસ્થિતિ જોવા મળી છે.
બોરીવલી-ઈસ્ટમાં માગાથાણે મેટ્રો સ્ટેશનની સામે આવેલા બાવીસ માળના કાણકિયા સમર્પણ ટાવરની ‘એ’ વિન્ગમાં ગુરુવારે સવારે અચાનક ઇલેક્ટ્રિક ડક્ટના ભાગમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ એટલી વિશાળ હતી કે એનો ધુમાડો ડક્ટ સહિત બધે ફેલાવા લાગતાં ધુમાડામાં ગૂંગળામણને કારણે ચાર લોકો અસરગ્રસ્ત થયા હતા. એમાંથી ૭૦ વર્ષના એક સિનિયર સિટિઝને જીવ ગુમાવ્યો હતો. જોકે આગના આ ધુમાડાએ વિશાળ સ્વરૂપ લીધું હોવા છતાં બિલ્ડિંગના રહેવાસીઓએ સમયસૂચકતા વાપરતાં અને એકબીજાની મદદે આવતાં મોટી જાનહાનિ ટળી હતી. એટલે આ દુર્ઘટના વખતે મદદે આવેલા સિક્યૉરિટી ગાર્ડ સહિત બિલ્ડિંગના એ લોકોનું સન્માન કરવાનો નિર્ણય બિલ્ડિંગની કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી પંદરેક દિવસ કેબલ અને ઇન્ટરનેટની સુવિધા બંધ રહેશે.
આ બિલ્ડિંગના ઇલેક્ટ્રિક ડક્ટના ભાગમાં નીચે જ આગ લાગી હતી. વાયરો અને રબરના કેબલ હોવાને કારણે આગનો ધુમાડો ખૂબ વધ્યો હતો અને ટૉપ ફ્લોર સુધી પહોંચ્યો હતો. વરસાદ હોવાથી બચાવ-યંત્રણા પહોંચે એ પહેલાં બિલ્ડિંગના રહેવાસીઓ અલર્ટ થયા હતા અને ફાયર એક્સ્ટિંગ્વિશર લઈને આગ ઓલવવા ગયા હતા. એ સાથે બિલ્ડિંગના ગ્રુપ પર કયાં પગલાં લેવાં અને ઘરમાં દરવાજો બંધ કરીને રહેવું, વિન્ડો ખુલ્લી મૂકવી જેવા મેસેજ અને વૉઇસ-નોટનો વરસાદ થવાથી અન્ય રહેવાસીઓ સતર્ક થયા હતા અને જાનહાનિ થઈ નહોતી.
ADVERTISEMENT
આવી દુર્ઘટના વખતે રહેવાસીઓ ભાગી જવાને બદલે એકબીજાની મદદે આવ્યા હતા એમ જણાવીને ‘એ’ અને ‘બી’ વિન્ગના સેક્રેટરી દૈવત છાયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગ્યા પછી રહેવાસીઓએ એકતાનું ઉદાહરણ આપ્યું હતું. સિક્યૉરિટી ગાર્ડથી લઈને અન્ય સ્ટાફ પણ મદદે આવ્યો હતો. અમે બધાએ આગ ઓલવવા માટે પહેલાં ડક્ટ ખોલી હતી જેથી ધુમાડો બહાર જવા લાગ્યો હતો. વીસમા માળે રહેતા રોહિત સિંહે પાંચથી સાત સિનિયર સિટિઝન સહિત લગભગ ૧૫ મહિલાઓનો જીવ બચાવ્યો હતો. તેમણે વીસમા અને એકવીસમા માળે બહાર નીકળતા ધુમાડાને કારણે ગભરાયેલા લોકોને સેફ કર્યા હતા. છઠ્ઠા માળેથી તિહિર છાયા સોસાયટીના સ્ટાફ અને સિક્યૉરિટી સુપરવાઇઝર નીતેશ સાથે સોળમા અને સત્તરમા ફ્લોરના રહેવાસીઓને આ ઘટના વિશે જાણ કરવા અને વેન્ટિલેશન માટે ફાયર-એક્ઝિટ કાચની વિન્ડો ખોલવા ઉપરના માળે ગયા હતા. કસ્તુરબા પોલીસ-સ્ટેશનના અધિકારી વિજય પંચાલે વરિષ્ઠ નાગરિકોને ઉપરના માળેથી નીચે લાવવામાં મદદ કરી હતી. બિલ્ડિંગના રહેવાસીઓ સહિત યુવાનો મદદ માટે આવ્યા એટલે તેમના સહકારથી મોટું નુકસાન ટાળી શકાયું હતું. તેમણે બતાવેલી હિંમત અને સમયસૂચકતા પરથી બીજાને પણ પ્રેરણા મળે એટલા માટે એ તમામનું સન્માન કરવામાં આવશે.’
કેબલ અને ઇન્ટરનેટ શરૂ થતાં પંદરેક દિવસ થશે
આગની દુર્ઘટના બાદ એક દિવસ પહેલાં જ ઇલેક્ટ્રિસિટી શરૂ કરવામાં આવી છે એટલે થોડા રહેવાસીઓ પાછા આવ્યા છે અને બીજા રહેવાસીઓ સોમવાર સુધીમાં આવશે એમ જણાવીને દૈવત છાયાએ વધુમાં કહ્યું હતું કે ‘કેબલ અને ઇન્ટરનેટનું કનેક્શન શરૂ થતાં પંદરેક દિવસ થશે, કારણ કે નવું વાયરિંગ કરવું પડશે. કેબલ માટે લગાડેલા બૂસ્ટરને ડક્ટમાંથી કાઢીને આખી સિસ્ટમ બીજે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય સુરક્ષાનાં અનેક પગલાં અમે લીધાં છે. લોકોમાં જાગરૂકતા લાવવા માટે મૉક ડ્રિલનું ઘણી વખત આયોજન કર્યું હતું, પણ અમુક લોકો જ આવતા હતા. જોકે હવે થોડા-થોડા દિવસે અવેરનેસ માટે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવશે જેમાં બધાએ ફરજિયાત હાજર રહેવું પડશે. આ ઉપરાંત અવેરનેસ માટે ફાયર-બ્રિગેડ સાથે પોલીસ અને BMCના અધિકારીઓને પણ આમંત્રિત કરીશું.’

