મીરા રોડની ૨૦૧૯ની ઘટનામાં થાણે કોર્ટે બસની કૅરટેકર મહિલાને આ બનાવની અવગણના કરવા બદલ આઠ મહિનાની સજા ફટકારી
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડમાં પાંચ વર્ષ પહેલાં સાત વર્ષની એક છોકરીનું શારીરિક શોષણ કરવાના મામલામાં કોર્ટે બસના ડ્રાઇવરને પાંચ વર્ષની અને બસની કૅરટેકર મહિલાને આઠ મહિનાની કેદની સજા ગઈ કાલે કરી હોવાનું જાણવા મળ્યું હતું. થાણેની કોર્ટે સજાની સાથે આરોપીઓને દંડ પણ કર્યો છે.
મીરા રોડના શીતલનગર વિસ્તારમાં હોલીક્રૉસ કૉન્વેન્ટ સ્કૂલ આવેલી છે, જેમાં ૨૦૧૯ની ૧૩ ડિસેમ્બરે સ્કૂલમાંથી છૂટ્યા બાદ સાત વર્ષની સ્ટુડન્ટ બસમાં ઘરે જવા નીકળી ત્યારે બસના ડ્રાઇવર ડેનિસ થૉમસ લુઇસે સગીરાનાં કપડાં કાઢી નાખીને તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ સમયે બસમાં કૅરટેકર જેનેવિયા અનિલ મથાઇસ પણ હતી. છોકરીએ ઘરે જઈને પોતાની સાથેની ઘટનાની જાણ પેરન્ટ્સને કરી હતી. જોકે કૅરટેકરે આ વિશે સ્કૂલ કે પોલીસને જાણ નહોતી કરી.
ADVERTISEMENT
બાળકીના પેરન્ટ્સે અહીંના નયાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં બસ-ડ્રાઇવર અને કૅરટેકર સામે વિવિધ કલમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ઘટના સંબંધી નક્કર પુરાવા થાણેની કોર્ટમાં રજૂ કર્યા હતા. આથી બુધવારે થાણેની કોર્ટના જસ્ટિસ ડી. એસ. દેશમુખે આ મામલામાં બસના ડ્રાઇવર ડેનિસ લુઇસને દોષી ઠેરવ્યો હતો અને તેને પાંચ વર્ષની સજા કરવાની સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. આવી જ રીતે કોર્ટે બસની કૅરટેકર જેનેવિયા મથાઇસને આઠ મહિનાની સજાની સાથે દંડ ફટકાર્યો હતો.


