પત્નીની ડિલિવરી માટે રજા લઈને ગામ આવેલા ઇન્ડિયન આર્મીના સૈનિક પ્રમોદ જાધવે અકસ્માતમાં જીવ ગુમાવ્યો : માત્ર ૮ કલાક પહેલાં જન્મેલી દીકરીને તથા હૉસ્પિટલમાંથી પત્નીને સ્ટ્રેચર પર અંતિમ દર્શન માટે લાવવામાં આવી : સાતારાનું આખું ગામ ધ્રુસકે ચડ્યું
૮ કલાક પહેલાં જન્મેલી દીકરી
પત્નીની ડિલિવરી માટે રજા લઈને આવેલા સાતારાના સૈનિકની બાઇકને અકસ્માત નડતાં તેણે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતના ૮ કલાક પહેલાં જ તેને દીકરી જન્મી હતી. દીકરીને જ્યારે પપ્પાનાં અંતિમ દર્શન માટે લાવવામાં આવી ત્યારે આખું ગામ ધ્રુસકે ચડ્યું હતું. હજી ડિલિવરીની કળ પણ નહોતી વળી ત્યારે સૈનિકની પત્નીને અંતિમ દર્શન માટે સ્ટ્રેચરમાં લાવવી પડી હતી. આ વિખેરાઈ ગયેલા નાનકડા પરિવારનું દુઃખ હાજર દરેક જણની આંખોમાં છલકતું હતું.
સાતારા તાલુકાના આરેદરે ગામના સૈનિક પ્રમોદ જાધવની બાઇક અને પિકઅપ ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઘટનાસ્થળે જ તેણે જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન પર ગયેલો સાતારાના બરડ ગામનો વિકાસ ગાવડે સાઉથ સુદાનમાં વીરગતિ પામ્યો હતો. આ બન્ને ઘટનાઓથી સાતારા જિલ્લામાં શોક ફેલાયો છે. પ્રમોદ જાધવના અંતિમ સંસ્કાર શનિવારે બપોરે કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પ્રમોદ જાધવ શ્રીનગરમાં ફરજ બજાવતો હતો. પ્રમોદ જાધવ ૮ દિવસ પહેલાં પત્નીની ડિલિવરી માટે ગામમાં આવ્યો હતો. અકસ્માતના દિવસે કોઈ કામ માટે ટૂ-વ્હીલર પર વાડે ફાટા તરફ જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પોએ તેના ટૂ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. આ ભયંકર અકસ્માતમાં પ્રમોદે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતના સમાચાર મળતાં જ ગામમાં અને તેના પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું.
બહાદુર સૈનિક પ્રમોદ જાધવના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વહીવટી અધિકારીઓ, ભૂતપૂર્વ સૈનિકો, ગ્રામજનો અને સંબંધીઓ હાજર રહ્યા હતા.


