સાંતાક્રુઝ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને વેપારીની દીકરી નિકિતા ધનજી હાથિયાણી અને તેના પ્રેમી રવીન્દ્ર નિરકરની ધરપકડ કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝમાં રહેતા કરિયાણાના વેપારીના ઘરમાંથી ૧૨ લાખ રૂપિયાની રોકડ અને સોનાના દાગીના એમ કુલ મળીને ૧૮ લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હતી. એ કેસમાં સાંતાક્રુઝ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને વેપારીની દીકરી નિકિતા ધનજી હાથિયાણી અને તેના પ્રેમી રવીન્દ્ર નિરકરની ધરપકડ કરી હતી.
લગ્ન માટે પૈસાની જરૂર હોવાથી નિકિતાએ પોતાના જ ઘરમાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો. નિકિતાના પિતાએ ધંધામાંથી કમાયેલી રકમના ૬ લાખ રૂપિયા અને ગામની વડીલોપાર્જિત મિલકત વેચીને મળેલા ૬ લાખ રૂપિયા ઘરના બેડરૂમમાં સોનાના દાગીનાના એક ડબ્બામાં રાખ્યા હતા.
ADVERTISEMENT
૧૮ નવેમ્બરે નિકિતા અને તેની મમ્મી માર્કેટમાં ગયાં હતાં. પાછા ફર્યા ત્યારે તેની મમ્મીને જાણ થઈ કે ઘરમાંથી એ કૅશ અને દાગીનાનો ડબ્બો ચોરાઈ ગયાં છે. એથી તેમણે પતિને વાત કરી હતી. વેપારીએ આ બદલ સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી.
સાંતાક્રુઝ પોલીસે ઝીણવટભરી તપાસના અંતે ટેક્નિકલ માહિતી મેળવીને શોધી કાઢ્યું હતું કે આ કેસમાં વેપારીની દીકરી અને તેનો પ્રેમી જ સામેલ છે. એથી બન્નેને તાબામાં લઈને પૂછપરછ કરવામાં આવતાં તેમણે ગુનો કબૂલી લીધો હતો. એ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.


