નવી મુંબઈના APMC માર્કેટમાં વેચાણ ઘટીને માંડ ૧૦થી ૧૫ ટકા રહ્યું
પ્રતીકાત્મક તસવીર
આ દિવાળીએ મોંઘવારીને કારણે સામાન્ય નાગરિકોના શૉપિંગ બૅગમાંથી પરંપરાગત ડ્રાયફ્રૂટ્સનું બૉક્સ ગાયબ થઈ શકે છે. આયાત અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલા તોતિંગ વધારાને કારણે બદામ અને પિસ્તાના ભાવ આસમાને પહોંચ્યા છે. નવી મુંબઈસ્થિત ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) હોલસેલ માર્કેટના વેપારીઓના જણાવ્યા અનુસાર તહેવારોની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે અને સામાન્ય દિવાળીની સરખામણીએ વેચાણ ઘટીને માંડ ૧૦થી ૧૫ ટકા રહી ગયું છે.
ડ્રાયફ્રૂટ્સમાં ખાસ કરીને બદામ અને પિસ્તાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષે ૭૫૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતી બદામ આ વર્ષે ૨૦૦ રૂપિયાના વધારા સાથે ૯૫૦ રૂપિયે પહોંચી છે, જ્યારે ગયા વર્ષે આશરે ૧૨૦૦ રૂપિયા પ્રતિ કિલો મળતા પિસ્તાનો ભાવ વધીને ૧૫૦૦ રૂપિયા થઈ ગયો છે. જોકે વેપારીઓનું કહેવું છે કે તમામ ડ્રાયફ્રૂટ્સના ભાવમાં એકસરખો વધારો થયો નથી. કેટલીક પ્રીમિયમ ઇમ્પોર્ટેડ વરાઇટીઝ ઘણી મોંઘી થઈ છે, પરંતુ તમામ સૂકા મેવાના ભાવ આસમાને પહોંચી ગયા હોવાના સોશ્યલ મીડિયાના અહેવાલો ગેરમાર્ગે દોરનારા છે.
