આંખો વગર જોયાં સપનાં કરી દેખાડ્યાં સાકાર પણ

અલ્પા નિર્મલ
ચાર્ટર્ડ અકાઉન્ટસીની પરીક્ષા પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. જટિલ અભ્યાસક્રમ, ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI)ની ૮થી ૯ ટકા વિદ્યાર્થીઓને જ પાસ કરવાની નીતિ અને આર્ટિકલશિપનાં ૩ વર્ષોને લીધે CAનું ભણતર એટલું કૉમ્પ્લેક્સ છે કે ઍવરેજ બુદ્ધિઆંક ધરાવતા વિદ્યાર્થીઓ આ વિષય ભણવા વિશે વિચારી જ નથી શકતા અને ઘણા સ્ટુડન્ટ્સ એમાં જોડાયા પછી પણ તેમનું ભણતર પડતું મૂકે છે ત્યારે જોઈ ન શકતો હોવા છતાં થાણેમાં રહેતો ઋષભ કપાસી પેરન્ટ્સ, મિત્રો, ટ્યુટોરિયલ્સના સહારે ત્રીજા પ્રયાસે CA બન્યો છે.
ચૅલેન્જિંગ કરવું હતું
જન્મથી જ કૉર્નિયલ ઓપેસિટીનો ભોગ બનનાર ઋષભનું બ્રેઇન બહુ જ શાર્પ હતું. તે નૉર્મલ બાળકો સાથે રેગ્યુલર સ્કૂલમાં ભણ્યો અને મુલુંડ કૉલેજ ઑફ કૉમસમાં ૨૦૧૨માં ફર્સ્ટ ક્લાસે Bcom થયો. ૨૪ વર્ષના ઋષભે કહ્યું હતું કે ‘સ્કૂલમાં મને સાયન્સ વિષય બહુ ગમતો. કાઉન્સેલિંગમાં પણ સાયન્સ ફૅક્લ્ટીમાં જવું એવું રિઝલ્ટ આવ્યું, પણ પછી વિચાર્યું કે મારી દૃષ્ટિહીનતાને કારણે પ્રૅક્ટિક્લ વગેરેમાં તકલીફ થશે એટલે મેં કૉમર્સમાં જવાનું નક્કી કર્યું. જોકે એ જ વખતે મેં ડિસાઇડ કર્યું હતું કે હું કંઈક ચૅલેન્જિંગ કરીશ. ટિપિક્લ ગ્રૅજ્યુએટ બનીને નહીં રહું.’
એટલા માટે જ ઋષભે ટ્વેલ્થ પછી તરત CPT (કૉમન પ્રોફિન્સિયન્સી ટેસ્ટ) આપી અને એમાં પાસ થયા પછી IPCC (ઇન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કૉમ્પેટેન્સ કોર્સ)નાં બે ગ્રુપ ક્લિયર કર્યા અને થાણેમાં જ એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસે ૩ વર્ષ આર્ટિકલશિપ કરી તથા CA ફાઇનલનો પહેલો અટેમ્પ્ટ ૨૦૧૩ નવેમ્બરમાં આપ્યો.
મમ્મી-પપ્પા અને ભાઈની મદદ
દશા શ્રીમાળી દેરાવાસી જૈન જ્ઞાતિનો ઋષભ કહે છે, ‘CAનો અભ્યાસક્રમ બ્રેઇલ લિપિમાં છે જ નહીં. જોકે સ્કૂલ અને કૉલેજનું ભણતર પણ મેં રેગ્યુલર જ લીધું છે એટલે બ્રેઇલ લિપિનાં પુસ્તકો વાંચ્યા જ નથી. સ્કૂલના સમયથી મને પ્રૅક્ટિસ હતી કે મમ્મી-પપ્પા, ભાઈ-મિત્રો, શિક્ષકો જે બોલે, વાંચે એ સાંભળીને યાદ રાખવું અને એ જ મારી પ્રૅક્ટિસ છેક સુધી રહી. CA માટે હું ટ્યુટોરિયલ્સમાં જતો અને ત્યાં સાંભળતો. વળી એ જ અભ્યાસક્રમ મારા પેરન્ટ્સ મારી પાસે વાંચતા અને એમ રિપીટ થતાં મને યાદ રહી જતું.’
સાવ સહેલુ નહોતું
ઋષભના વ્યવસાયે સિવિલ એન્જિનિયર પપ્પા હરેશભાઈ કહે છે, ‘સ્કૂલ સુધીનું ભણતર તો ઠીક છે, અમે તેને વાંચીને સંભળાવતાં અને તે સમજી જતો. કૉલેજમાં પણ બહુ પ્રૉબ્લેમ ન આવ્યો, પણ CAનો અભ્યાસક્રમ બહુ કઠિન હતો. એ એક વાર વાંચીએ તો યાદ ન રહી જાય, એને વારંવાર રિપીટ કરવું પડે. વળી તેના મિત્રો કે ભાઈને પણ પોતાનું ભણવાનું હોય. હું અને તેની મમ્મી નિકેતા પણ કામમાં હોઈએ એટલે અમે બધાં અમારા ટાઇમ પ્રમાણે ઋષભ પાસે વાંચતાં. એટલે એમાં ઋષભને ભણવાનો મૂડ છે કે નહીં, તે થાકેલો છે કે ફ્રેશ છે એવા પ્રશ્નો જ ન આવતા. અમારા ટાઇમટેબલ મુજબ તે ઍડ્જસ્ટ કરતો અને અમારા મૂડ મુજબ તે ઍની ટાઇમ ભણવા રેડી થઈ જતો.’
થાણેના નૌપાડા વિસ્તારમાં ન્યુ ઇંગ્લિશ સ્કૂલ પાસે રહેતો ઋષભ કહે છે, ‘ભણવાના ટાઇમ ઍડ્જસ્ટ કરવાનું તો ઠીક, મને રાઇટર મેળવવામાં બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. પરીક્ષાના એક મહિના સુધી રાઇટર મળે નહીં. એન્ડ-મોમેન્ટ્સ પર મળે અને બે-ત્રણ મીટિંગ થાય એટલે વધુ વેવ-લેન્ગ્થ મળે નહીં. એકબીજા સાથે કોપા-અપ થાય નહીં અને માટે જ મારે CA ફાઇનલની પરીક્ષાના પ્રથમ પ્રયાસમાં પ્રૉબ્લેમ થયો અને હું બેઉ ગ્રુપમાં ફેલ થયો. જોકે પછી સેકન્ડ અટેમ્પ્ટમાં મેં સોશ્યલ મીડિયાની મદદ લીધી અને મને એ દ્વારા રાઇટર મળ્યો અને ૨૦૧૪ના મે મહિનામાં મેં સેકન્ડ ગ્રુપ ક્લિયર કર્યું અને આ વર્ષે થર્ડ અટેમ્પ્ટમાં ફર્સ્ટ ગ્રુપ ક્લિયર કર્યું.
બૅલૅન્સ-શીટ આખી મોઢે રહે
મૂળ પાલિતાણાના વતની ઋષભને ભગવાને દૃષ્ટિ ન આપી, પણ બ્રેઇન બહુ શાર્પ આપ્યું. CAનું જ ભણતો તેનો નાનો ભાઈ તેજશ કહે છે, ‘આર્ટિકલશિપમાં ઋષભને ક્લાયન્ટને મળવાનું, તેની બૅલૅન્સ-શીટ રેડી કરવાની હોય ત્યારે બધા એ આંકડા પેપરમાં લખી સરવાળો કરે ત્યારે ભાઈ એ રકમ માઇન્ડમાં યાદ રાખીને ગણતરી કરીને આપણને કહે. ‘પોતાની જ રીતે દરેક કામ એકલો-જાતે કરતો ઋષભ આર્ટિકલશિપ દરમ્યાન જાતે જ ક્લાયન્ટ સાથે મીટિંગ કરી, ડિસ્કસ કરી, ચેકલિસ્ટ તૈયાર કરે અને એ બધું પેપર પર લખવા તે કોઈકની હેલ્પ લેતો.
વૉટ નેક્સ્ટ?
ફિલોસૉફી અને રિલિજનમાં બહુ આસ્થા ધરાવતા ઋષભને તે જ્યાં આર્ટિકલશિપ કરતો હતો ત્યાં તો જૉબની ઑફર છે જે અને તે CAનું કોચિંગ આપવાનું પણ વિચારી રહ્યો છે.


