બન્ને નોકરોએ પ્લાનિંગપૂર્વક ચીરાબજારના વેપારી પાસેથી બે ટુકડામાં પૈસા તો લીધા હતા, પણ ઝવેરીબજારના વેપારીને આપ્યા નહોતા
મેટલના વેપારીના પૈસા લઈને નાસી ગયેલા બે નોકર.
ગિરગામમાં નાનુભાઈ દેસાઈ રોડ પર સુતાર ગલીના કૉર્નર નજીક મેટલનો વ્યવસાય કરતા ૪૪ વર્ષના નીલેશ દોશી પાસે છેલ્લાં બે વર્ષથી નોકરી કરતા હનુમાનરામ અને બેહરારામ ૪૦ લાખ રૂપિયા લઈને નાસી ગયા હોવાની ફરિયાદ સોમવારે વી. પી. રોડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. શનિવારે ચીરાબજારના એક વેપારી પાસેથી ૪૦ લાખ રૂપિયાની રકમ બે ટુકડામાં લઈને ઝવેરીબજારના એક વેપારીને પૈસા આપવાનું કામ બન્ને નોકરોને સોંપવામાં આવ્યું હતું. દરમ્યાન બન્ને નોકરોએ પ્લાનિંગપૂર્વક ચીરાબજારના વેપારી પાસેથી બે ટુકડામાં પૈસા તો લીધા હતા, પણ ઝવેરીબજારના વેપારીને આપ્યા નહોતા. આ મામલે સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે.
વી. પી. રોડના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર જગદીશ કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજે પાંચ વાગ્યે નીલેશ દોશીએ બન્ને નોકરોને ચીરાબજારના એક વેપારી પાસેથી ૪૦ લાખ રૂપિયા લઈને ઝવેરીબજારના બીજા વેપારીને આપવાનું કામ સોંપ્યું હતું. સાવચેતીના ભાગરૂપે તેમણે એક વખત ૨૦ લાખ રૂપિયાની ડિલિવરી કર્યા બાદ બીજા ૨૦ લાખ રૂપિયા લઈને ડિલિવરી કરવાનું કહ્યું એ મુજબ બન્ને નોકરો ઑફિસનું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને કામ કરવા નીકળ્યા હતા. ત્યાર બાદ આશરે બે કલાક સુધી બન્ને નોકરો પાછા ન આવતાં ચીરાબજારના વેપારીને ફોન કરીને પૈસા લીધા કે નહીં એની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બન્ને નોકર એક વખત ૨૦ લાખ રૂપિયા લીધા બાદ ૧૫ મિનિટમાં પાછા આવીને બીજા ૨૦ લાખ રૂપિયા લઈ ગયા છે, પણ તેમણે ઝવેરીબજારના વેપારીને પૈસા પહોંચાડ્યા નહોતા. આ ઘટના જાણ્યા બાદ નીલેશને શંકા જતાં તેણે પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરનું લોકેશન મોબાઇલ પર જોયું ત્યારે એ સ્કૂટર ગિરગામની સુતાર ગલી નજીક હોવાની માહિતી મળી હતી. એટલે તેઓ તાત્કાલિક સુતાર ગલી પહોંચ્યા હતા. ત્યાં સ્કૂટર પાર્ક કરેલું હતું, પણ નોકર દેખાયા નહોતા. અંતે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બન્ને નોકરોના મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવે છે એને અમે ટ્રેસ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
બન્ને મારા વિશ્વાસુ નોકર હતા. તેઓ મારી પાસે છેલ્લાં બે વર્ષથી નોકરી કરતા હતા. આ પહેલાં પણ તેમણે મારાં આવાં અનેક કામ કર્યાં હોવાથી તેમના પર મને પૂરેપૂરો ભરોસો હતો. તેમનો દોઢથી બે કલાક પત્તો ન લાગતાં મને લાગ્યું કે કદાચ તેઓ ક્યાંક ફસાયા હશે, પણ જ્યારે મારું સ્કૂટર પાર્ક કરેલું જોયું ત્યારે મને ખાતરી થઈ ગઈ કે નોકરો મારા પૈસા લઈને નાસી ગયા છે.
- નીલેશ દોશી

