વસઈમાં એક વૃદ્ધ મહિલા ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પોતે તો પ્લૅટફૉર્મ પર પડી જ હતી અને એની સાથે દરવાજા પર ઊભી રહેલી અન્ય મહિલા પ્રવાસીનું પણ બૅલૅન્સ જતાં તે પણ પડી ગઈ હતી
વસઈમાં આરપીએફના જવાન અને પ્રવાસીએ બે મહિલાનો જીવ બચાવ્યો
મુંબઈ : આરપીએફના જવાનની સતર્કતાને કારણે અનેક પ્રવાસીઓના જીવ બચ્યા છે. એવી જ રીતે વસઈમાં એક વૃદ્ધ મહિલા ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પોતે તો પ્લૅટફૉર્મ પર પડી જ હતી અને એની સાથે દરવાજા પર ઊભી રહેલી અન્ય મહિલા પ્રવાસીનું પણ બૅલૅન્સ જતાં તે પણ પડી ગઈ હતી. જોકે પ્લૅટફૉર્મ પર ફરજ બજાવતા આરપીએફના જવાન અને અન્ય પ્રવાસીની સર્તકતાને કારણે પ્લૅટફૉર્મ પર પડેલી બન્ને મહિલા પ્રવાસીના જીવ બચી ગયા હતા.
વેસ્ટર્ન રેલવે પાસેથી આ બનાવ વિશે મળેલી માહિતી મુજબ વસઈ રેલવે સ્ટેશને પ્લૅટફૉર્મ પર ફરજ બજાવતા આરપીએફના જવાન સી. ટી. તેજારામે જોયું કે એક વૃદ્ધ મહિલા પૅસેન્જર લોકલ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એને કારણે તેમનું અને દરવાજા પર ઊભી રહેલી યુવતીનું બૅલૅન્સ જતું રહ્યું હતું અને તેઓ પ્લૅટફૉર્મ પર પડ્યાં હતાં. સી. ટી. તેજારામે તરત જ સતર્કતા દેખાડી હતી અને અન્ય મુસાફરની મદદથી બન્ને મહિલા મુસાફરોને ચાલતી ટ્રેનથી દૂર ખેંચી લીધી હતી. તેમને કોઈ ઈજા થઈ નહોતી.


