મુંબઈનાં મેયરે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સિંહ-સિંહણની બે જોડી રાણીબાગને આપવા વિનંતી કરી
રિતુ તાવડે
ગીરના નેસ જેવું વાતાવરણ ઊભું કરીને ગુજરાતના સાવજોને આવકારવા મુંબઈનું રાણીબાગ ઝૂ ક્યારનું તૈયાર છે, પણ સિંહ ન હોવાને કારણે મુલાકાતીઓને થતી નિરાશા જલદી દૂર થાય એવી શક્યતા છે. મુંબઈનું રાણીબાગ ૪ વર્ષ કરતાં પણ લાંબા સમયથી સિંહની રાહ જોઈ રહ્યું છે ત્યારે મેયર રિતુ તાવડેએ આ મામલે તાત્કાલિક પગલાં લેવાય એ માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મદદ માગી છે.
રિતુ તાવડેએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગુજરાત સરકારને મુંબઈના રાણીબાગ માટે બે જોડી એશિયાઈ સિંહ આપવાની વિનંતી કરી છે. પચીસ ફેબ્રુઆરીએ લખેલા પત્રમાં બે નર અને બે માદા સિંહને આવકારવા મુંબઈ ઝૂ તૈયાર હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
રાણીબાગમાં આવનારા સિંહ માટે માલધારી વસાહતોની થીમ પર ડિઝાઇન કરેલા હૅબિટૅટ બનાવવામાં આવ્યા છે. એમાં ગુફાઓ, પાણીની સુવિધા, માટીનાં કાચાં નાનાં મકાનો બનાવવામાં આવ્યાં છે. માંચડા અને ગીરના જંગલ જેવી લીલોતરી પણ રાખવામાં આવી છે. મુલાકાતીઓ માટે ઍક્રિલિક વ્યુઇંગ ગૅલરી પણ બનાવવામાં આવી છે.
અગાઉ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાટિક સિંહોને વિનિમય ધોરણે મેળવવાનો પ્રસ્તાવ મુકાયો હતો. ૨૦૧૯ના માર્ચમાં મંજૂર કરાયેલા પ્રસ્તાવમાં બે ઝીબ્રા, કોકાટીલ્સ (ગ્રે અને વાઇટ), અવાક બગલાની બે જોડી અને એક હૉર્નબિલની સામે બે જોડી સિંહોની લેવાની હતી. જોકે રાણીબાગ ઝૂ પાસે ઝીબ્રા ઉપલબ્ધ ન હોવાથી આ કરાર પૂરો થઈ શક્યો નહોતો, જેને કારણે મુંબઈના ઝૂમાં એશિયાટિક સિંહના રહેઠાણ માટે ઊભું કરેલું સેટઅપ ખાલી પડ્યું છે.
