દૂષિત પાણીને લીધે અનેક લોકો બીમાર થયા, ફરિયાદો પછી BMCએ સૅમ્પલ ટેસ્ટિંગ માટે મોકલ્યાં
પ્રતીકાત્મક તસવીર
ઇન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાને કારણે સર્જાયેલી હોનારત વચ્ચે સાંતાક્રુઝ-વેસ્ટની બાગેશ્રી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓ ભયમાં રહેવાના દિવસો આવ્યા છે. અહીં છેલ્લાં બે અઠવાડિયાંથી રહેવાસીઓ ફરિયાદ કરી રહ્યા છે કે પીવાનું પાણી અત્યંત ગંદું અને પ્રદૂષિત આવી રહ્યું છે. એટલું જ નહીં, આ પાણીને લીધે ઘણા લોકો બીમાર પણ પડી રહ્યા છે. રેસિડન્ટ્સનું કહેવું છે કે પાણીનો સ્વાદ અને દુર્ગંધ અસહ્ય થઈ ગયાં છે એટલે અત્યારે લોકો રસોઈ અને પીવા માટે પાણીની બૉટલો લાવવા મજબૂર બન્યા છે. રહેવાસીઓને આ ૧૫ દિવસમાં પેટ અને ગળામાં ઇન્ફેક્શન થવું, ઊબકા આવવા, પેટનો દુઃખાવો, સ્કિન એલર્જી અને તાવ જેવી સમસ્યાઓની ફરિયાદ રહી છે. એનું મુખ્ય કારણ આ કન્ટેમિનેટેડ પાણી હોવાનું તેમનું માનવું છે.
સોસાયટીનાં મેમ્બર રૂપા બડકરે જણાવ્યું હતું કે ‘હું ત્રણથી ૪ દિવસ પહેલાં અમારા ફૅમિલી ડૉક્ટર પાસે ગઈ હતી ત્યારે તેમણે પણ કહ્યું કે અમારી સોસાયટીના ઘણા લોકો પેટમાં દુખાવાની કમ્પ્લેઇન્ટ સાથે આવ્યા હતા.’
ADVERTISEMENT
સોસાયટીના સેક્રેટરી મહેન્દ્ર છેડાએ કહ્યું હતું કે ‘અમે દરરોજ પીવાનું પાણી ખરીદવા માટે ઓછામાં ઓછા ૩૦૦થી ૪૦૦ રૂપિયા ખર્ચી રહ્યા છીએ. ડૉક્ટરની ફી અને દવાઓનો ખર્ચ તો અલગ છે. પીવાનું પાણી એ બેઝિક જરૂરિયાત છે, લક્ઝરી નથી.’
આ વિશે સવાલ પૂછતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વૉટર ડિપાર્ટમેન્ટના એન્જિનિયર પ્રવીણ દુધવાડકરે જણાવ્યું હતું કે ‘કન્ટેમિનેશનનું મૂળ જાણવા માટે તપાસ ચાલી રહી છે. ગયા અઠવાડિયે શુક્રવારે અમને ફરિયાદ મળી એ પછી તપાસ કરી હતી અને ફરી સોમવારે સવારે સપ્લાયના સમયે તપાસ કરી હતી. મંગળવારે સવારે પાણીનાં સૅમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલ્યાં છે. અમે સોસાયટીને સાવચેતી તરીકે પાણીની ટાંકીઓ સાફ કરવા પણ જણાવ્યું છે.’
- રિતિકા ગોંધળેકર


