જુહુ ગલી સ્લમ ક્લસ્ટર રીડેવલપમેન્ટના ૧૦૧ એકરના પ્રોજેક્ટ માટે સૌથી મોટા બિડર તરીકે રિલાયન્સ 4IR રિયલ્ટી ડેવલપમેન્ટ લિમિટેડની પસંદગી કરવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
જુહુ ગલી સ્લમ ક્લસ્ટર રીડેવલપમેન્ટના ૧૦૧ એકરના પ્રોજેક્ટ માટે સૌથી મોટા બિડર તરીકે રિલાયન્સ 4IR રિયલ્ટી ડેવલપમેન્ટ લિમિટેડની પસંદગી કરવામાં આવી છે. ઍસ્પેક્ટ રિયલ્ટીની સબસિડિયરી કંપની મહાદેવ રિયલ્ટર્સ જુહુ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે મળીને જુહુ ગલીની ઝૂંપડપટ્ટીઓના ક્લસ્ટર રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.
રીડેવલપમેન્ટના પ્રોજેક્ટનું સૌથી વધુ પ્રીમિયમ ૩૫.૧૦ ટકા આપવાની ઑફરને પસંદ કરવામાં આવી છે. જુહુ ગલીની મુંબઈની પહેલી જ ક્લસ્ટર રીહૅબિલિટેશન સ્કીમની બિડ માટે શાપુરજી પાલનજી, રિલાયન્સ ઍન્ડ JSW રેસમાં હતાં. સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ SRAની હાઈ પાવર્ડ કમિટી (HPC)એ રિલાયન્સની ટેક્નિકલ અને ફાઇનૅન્શિયલ બિડ માન્ય કરી હતી. ટૂંક સમયમાં રાજ્ય સરકાર આ મામલે લેટર ઑફ અવૉર્ડ (LOA) ઇશ્યુ કરશે. કંપની ટેનન્ટ્સને ૧૮૦ કરોડ રૂપિયાનું પેન્ડિંગ ભાડું ચૂકવશે અને બે વર્ષનું ઍડ્વાન્સ ભાડું પણ ચૂકવશે જે ૭૫૦ કરોડ રૂપિયા સુધીનું હશે.
ADVERTISEMENT
સામાન્ય કરતાં ૧૦.૧૦ ટકા વધુ RR રેટ ચૂકવશે રિલાયન્સ
સામાન્ય રીતે SRA સ્કીમમાં બિલ્ડર પ્લૉટના રેટના હિસાબે SRAને પ્રીમિયમ તરીકે રેડી રેક્નર (RR) રેટના પચીસ ટકા ચૂકવે છે. જોકે રિલાયન્સ રિયલ્ટી ડેવલપમેન્ટ લિમિટેડ ૩૫.૧૦ ટકા વધુ રેટ ચૂકવવા તૈયાર હોવાથી એને આ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો હતો.
