પ્રોજેક્ટ બાબતની માહિતી કસ્ટમરોને ન આપવાની સાથે વેબસાઇટ અપડેટ ન કરવા બદલ મહારેરાએ આ બિલ્ડરોનાં બૅન્ક-અકાઉન્ટ્સ સીઝ કર્યાં
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ મહારેરાના કાયદા મુજબ બિલ્ડરોએ બાંધકામના પ્રોજેક્ટ સંબંધી માહિતી અપડેટ કરીને કસ્ટમરોને આપવાની હોય છે. મુંબઈ, થાણે અને પુણે સહિત રાજ્યના ૩૮૮ બિલ્ડરોએ આવી માહિતી ગ્રાહકોને ન આપવાની સાથે ત્રણ મહિને વેબસાઇટ અપડેટ કરવાના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ મહારેરાએ આ બિલ્ડરોનાં રજિસ્ટ્રેશન સ્થગિત કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, આ બિલ્ડરોનાં બૅન્ક-અકાઉન્ટ્સ સીઝ કરવાની સાથે જાહેરાત આપવા, માર્કેટિંગ કરવા અને ફ્લૅટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહારેરાએ આ સિવાય આ બિલ્ડરોને સેલનાં ઍગ્રીમેન્ટ અને સેલ ડીડ પણ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મહારેરાના નિયમ અને કાયદાનું પાલન ન કરનારા રાજ્યભરના ૭૪૬ બિલ્ડરોને આ સંબંધે જવાબ નોંધાવવા માટે ૪૫ દિવસની નોટિસ મોકલવામાં આવી હતી. આમાંથી ૩૮૮ બિલ્ડરોએ નોટિસનો જવાબ નહોતો આપ્યો એટલે મહારેરાએ તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
બાંધકામના પ્રોજેક્ટમાં ફ્લૅટ અને દુકાન સહિતની પ્રૉપર્ટી ખરીદવા માટે બુકિંગ કરાવનારા ગ્રાહકને મહારેરાના કાયદાની જોગવાઈ મુજબ પ્રોજેક્ટ સંબંધી માહિતી આપવાની રહે છે. ગ્રાહકો પ્રતિ ડેવલપરોએ ઉદાસીનતા દાખવીને ગ્રાહકોના હકનો ભંગ કર્યો હોવાનું ધ્યાનમાં આવતાં મહારેરાએ ૩૮૮ બિલ્ડરો સામે કાર્યવાહી કરી છે. અત્યાર સુધી આવા ૧૦૦ બિલ્ડરોને નિર્ણય ઈ-મેઇલથી મોકલી દેવામાં આવ્યો છે, જ્યારે બાકીના બિલ્ડરોને એકાદ-બે દિવસમાં નિર્ણય જણાવવામાં આવશે.
જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે એ જાન્યુઆરી ૨૦૨૩માં મહારેરામાં નોંધવામાં આવેલા પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની માહિતી ૨૦ એપ્રિલ સુધીના ત્રણ મહિનામાં અપડેટ કરીને વેબસાઇટમાં અપલોડ કરવાની હતી. જોકે મહારેરાની તપાસમાં માત્ર ત્રણ બિલ્ડરોએ નિયમનું પાલન કર્યું હોવાનું જણાતાં બાકીના ૭૪૬ બિલ્ડરોને આ બાબતે જવાબ નોંધાવવા નોટિસ મોકલવામાં આવી હતી. એમાંથી ૩૫૮ બિલ્ડરોએ જવાબ આપ્યા હતા, જ્યારે ૩૮૮ બિલ્ડરોએ કોઈ જવાબ આપ્યો ન હોવાનું જણાયું હતું.
કયા વિભાગમાં કેટલી કાર્યવાહી?
એમએમઆર ક્ષેત્ર ઃ થાણે ૫૪, પાલઘર ૩૧, રાયગડ ૨૨, મુંબઈ સબર્બ્સ ૧૭, મુંબઈ શહેર ૩. કુલ ૧૨૭ બિલ્ડર
પશ્ચિમ મહારાષ્ટ્ર ઃ પુણે ૮૯, સાતારા ૧૩, કોલ્હાપુર ૫, અહમદનગર-સાંગલી ૬. કુલ ૧૨૦ બિલ્ડર
ઉત્તર મહારાષ્ટ્ર ઃ નાશિક ૫૩, જળગાંવ ૩, ધુળે ૧. કુલ ઃ ૫૭ બિલ્ડર
વિદર્ભ ઃ નાગપુર ૪૧, વર્ધા ૬, અમરાવતી ૪, વાશિમ-ચંદ્રપુર ૪, અકોલા-યવતમાળ ૨. કુલ ઃ ૫૭ બિલ્ડર
મરાઠવાડા ઃ છત્રપતિ સંભાજીનગર ૧૨, લાતુર ૨, નાંદેડ-બીડ ૨. કુલ ૧૬ બિલ્ડર
કોંકણ ઃ સિંધુદુર્ગ ૬, રત્નાગિરિ ૫. કુલ ૧૧ બિલ્ડર