આરબીઆઇ અન્ય પ્રાઇવેટ બૅન્કો સાથે મળીને સ્કૅમ કરી રહી હોવાની ધમકીભરી ઈ-મેઇલ મળી: આરબીઆઇના ગવર્નર અને ફાઇનૅન્સ મિનિસ્ટર રાજીનામું નહીં આપે તો એ બૉમ્બ ફોડી નાખીશું એવી આપી ધમકી
૧૧ જગ્યાએ બૉમ્બ પ્લાન્ટ કર્યા છે એ ફોડી નાખીશું
મુંબઈ : આરબીઆઇના ગવર્નર, દેશનાં ફાઇનૅન્સ મિનિસ્ટર અને ટોચના કેટલાક અધિકારીઓ એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બૅન્ક સાથે મળીને દેશનું સૌથી મોટું સ્કૅમ કરી રહ્યાં છે એટલે આરબીઆઇના ગવર્નર શશિકાંત દાસ અને ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ રાજીનામું આપે, નહીં તો મુંબઈમાં ૧૧ જગ્યાએ બૉમ્બ પ્લાન્ટ કરાયા છે એ બધા ફોડી નાખીશું એવી ધમકીની ઈ-મેઈલ આરબીઆઇ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બૅન્કને મળતાં આ બાબતે પોલીસને જાણ કરાઈ હતી.
ઈ-મેઇલ કરનારે એ બૉમ્બ ક્યાં પ્લાન્ટ કરાયા છે એ પણ જણાવ્યું હતું. એમાં ફોર્ટમાં આવેલું આરબીઆઇનું ન્યુ સેન્ટ્રલ બિલ્ડિંગ, એચડીએફસી હાઉસ - ચર્ચગેટ, આઇસીઆઇસીઆઇ ટાવર બીકેસી અને અન્ય જગ્યાઓ કહેવાઈ હતી. એટલું જ નહીં, એ બૉમ્બબ્લાસ્ટ બપોરે ૧.૩૦ વાગ્યે કરાશે એમ પણ ઈ-મેઇલમાં જણાવાયું હતું. એથી પોલીસ, એટીએસ તથા બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડે એમના સ્નિફર ડૉગ સાથે તમામેતમામ ૧૧ જગ્યાની ઝીણવટભરી તપાસ કરી હતી, પણ કશું શંકાસ્પદ મળી આવ્યું નહોતું. આ બાબતે પોલીસે કેસ નોંધીને ઈ-મેઇલથી ધમકી આપનારની શોધ ચાલુ કરી છે.
