વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે લખેલા પુસ્તકમાં હત્યાનું પંચનામું ખોટું કરવામાં આવ્યું હોવાનું અને પોલીસે યોગ્ય તપાસ ન કરી હોવાનો આરોપ કરતાં મચ્યો ખળભળાટ
વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે ગઈ કાલે દિલ્હીમાં પોતાના પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું.
નથુરામ ગોડસેની પિસ્તોલમાંથી નીકળેલી ગોળીથી મહાત્મા ગાંધીની હત્યા થઈ ન હોવાનો દાવો સ્વતંત્રતાસેનાની વીર સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે કરતાં ખળભળાટ મચી ગયો છે. હત્યાના કેસની પોલીસે યોગ્ય રીતે તપાસ ન કરી હોવાથી એનો ફાયદો નેહરુ પરિવારને થયો હોવાનું પણ તેમણે કહ્યું છે. ફૉરેન્સિક તપાસ કરીને પોતે આ નિવેદન આપી રહ્યા હોવાનું તેમણે કહ્યું છે. મહાત્મા ગાંધીની હત્યાનાં ૨૦ વર્ષ બાદ જેમ કપૂર કમિશન નીમવામાં આવ્યું હતું એવી રીતે બીજું કમિશન નીમીને પુરાવા બહાર કાઢવાની માગણી તેમણે કરી છે.
આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે ત્યારે રણજિત સાવરકરે લખેલા નવા પુસ્તકે ખળભળાટ મચાવ્યો છે. તાજેતરમાં દિલ્હીમાં પ્રકાશિત કરવામાં આવેલા ‘મેક શ્યૉર ગાંધી ઇઝ ડેડ’ નામના પુસ્તકમાં મહાત્મા ગાંધીની હત્યા વિશે ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પોતાના પુસ્તકના પ્રકાશન વખતે રણજિત સાવરકરે કહ્યું હતું કે ‘૭૬ વર્ષ પહેલાં થયેલી મહાત્મા ગાંધીની હત્યાથી દુનિયાનું રાજકારણ બદલાઈ ગયું એનો દાગ સાવરકર પર લગાવવામાં આવ્યો હતો. નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હોવાનું કહેવામાં આવ્યું. મેં કપૂર કમિશનનો અભ્યાસ શરૂ કર્યો. એ અહેવાલ કૉન્ગ્રેસ સરકારે સ્વીકાર્યો પણ નહોતો અને નકાર્યો પણ નહોતો. નથુરામ ગોડસેનું ક્રૉસ વેરિફિકેશન નહોતું થયું. નથુરામ ગોડસેએ છોડેલી ગોળીથી મહાત્મા ગાંધીની હત્યા નહોતી થઈ. તેમની પિસ્તોલમાંથી છૂટેલી ગોળી અને ગાંધીજીના શરીરમાંથી મળી આવેલી ગોળીના આકાર જુદા છે. એટલું જ નહીં, માત્ર બે ફીટના અંતરથી આ રીતે ગોળી મારવાનું શક્ય નથી, મારવામાં આવેલી ગોળીનો ઍન્ગલ પણ જુદો હતો. ગોળીબારના ફૉરેન્સિક રિપોર્ટના આધારે કહી રહ્યો છું. પોલીસે પંચનામાં ખોટાં બનાવ્યાં છે અને તપાસ પણ યોગ્ય રીતે નથી કરવામાં આવી. આ બધી વાત મેં મારા પુસ્તકમાં નોંધી છે. નથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરવા માટે ૧૦૦ ટકા ગયા હતા. તેમણે ગોળીબાર પણ કર્યો એ પણ ૧૦૦ ટકા સાચું છે, પણ તેમની પિસ્તોલમાંથી છૂટેલી ગોળીથી મહાત્મા ગાંધીની હત્યા નથી થઈ. પોતાની ગોળીથી જ મહાત્મા ગાંધીનું મૃત્યુ થયું હોવાનું માનીને નથુરામ ગોડસેએ હત્યાનો ગુનો સ્વીકારી લીધો હતો. જોકે ફૉરેન્સિક રિપોર્ટમાં બીજા કોઈના ગોળીબારથી હત્યા થઈ હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે.’
રણજિત સાવરકરે એમ પણ કહ્યું કે ‘મહાત્મા ગાંધીની હત્યાની તપાસ યોગ્ય રીતે કરવામાં નહોતી આવી એનો ફાયદો નેહરુ પરિવારને થયો. લોકોએ પૂછવું જોઈએ કે પંડિત જવાહરલાલ એ સમયે વડા પ્રધાન હતા તો પણ મહાત્મા ગાંધીની હત્યાની તપાસ યોગ્ય રીતે કેમ કરવામાં ન આવી? હું કેન્દ્ર સરકારને નહીં, પણ સામાન્ય લોકોને પૂછી રહ્યો છું કે તેમણે નવેસરથી કમિશન નીમીને તપાસ કરાવવાની માગણી કરવી જોઈએ. આ પુસ્તક પ્રકાશિત ન થાય એ માટે મારા પર દબાણ લાવવામાં આવ્યું હતું. અનેક પ્રકાશકોએ છેલ્લી ઘડીએ પુસ્તક પ્રકાશિત કરવાની ના પાડતાં આખરે મેં પોતે પુસ્તક પ્રકાશિત કર્યું છે.’
ઉલ્લેખનીય છે કે નથુરામ ગોડસેએ ૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ દિલ્હીમાં ગોળી મારીને ગાંધીજીની કરી હતી. ગાંધીજી જેવા પ્રખર સ્વતંત્રતાસેનાનીની જાહેરમાં ગોળી મારીને ઘાતકી રીતે હત્યા થતાં દેશ જ નહીં, દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો. હત્યા કરવાના કેસમાં નથુરામ ગોડસે દોષી ઠરતાં તેને ૧૯૪૯ની ૧૫ નવેમ્બરે ફાંસી આપવામાં આવી હતી. તેના સાથી નારાયણ આપ્ટેને પણ ફાંસી આપવામાં આવી હતી.
રાજ્યસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષનો હાથ ઉપર રહેશે
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ૬ સહિત દેશભરની ૫૬ બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. બીજી એપ્રિલે રાજ્યસભાના સંસદસભ્યોનો સમય પૂરો થાય છે એટલે આ બેઠક પર ૨૭ ફેબ્રુઆરીએ મતદાન કરાશે. મહારાષ્ટ્રમાં બીજેપીના ૩, કૉન્ગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્વવ ઠાકરે)ના ૧-૧ સાંસદનો ૬ વર્ષનો સમય પૂરો થઈ રહ્યો છે. એનસીપી અને શિવસેનાના બે ટુકડા થઈ ગયા છે તેમ જ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પાસે સાંસદોને ચૂંટવા માટેના વિધાનસભ્યોની સંખ્યા ઓછી છે એટલે તેમની બેઠકો જોખમમાં મુકાઈ ગઈ છે એટલે
સત્તાધારી પક્ષોને ફાયદો થઈ શકે છે.
બીજેપીના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે, પ્રકાશ જાવડેકર અને વી. મુરલીધરન, કૉન્ગ્રેસના કુમાર કેતકર, એનસીપી (શરદ પવાર જૂથ)નાં વંદના ચવાણ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના અનિલ દેસાઈની રાજ્યસભાના સાંસદ તરીકેની મુદત બીજી એપ્રિલે પૂરી થાય છે. એથી આ તમામ બેઠકો પર ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને એ જ દિવસે સાંજે પાંચ વાગ્યે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. બીજેપી પોતાના સાંસદોને રિપીટ કરે છે કે પહીં અને સત્તામાં ભાગીદાર અજિત પવાર જૂથ એનસીપી અને એકનાથ શિંદે જૂથ શિવસેનામાંથી કોને ઉમેદવારી આપવામાં આવે છે એના પર સૌની નજર રહેશે.
એનસીપીની અપાત્રતાનો મામલો પંદર દિવસ લંબાયો
એનસીપીમાં ભંગાણ પડ્યા બાદ શરદ પવાર અને અજિત પવારે પક્ષ અને ચૂંટણીચિહ્ન પર પોતાનો દાવો કરવાની સાથે એકબીજા પર વિધાનસભ્યોને અપાત્ર કરવાનો કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ઍડ્. રાહુલ નાર્વેકરને ૩૧ જાન્યુઆરી સુધી ચુકાદો આપવાનો નિર્દેશ કર્યો હતો. જોકે આટલા સમયમાં નિર્ણય લેવાની શક્યતા ન હોવાથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ અઠવાડિયાંની મુદત માગવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ત્રણ અઠવાડિયાંને બદલે ૧૫ ફેબ્રુઆરી સુધી વિધાનસભ્યોની અપાત્રતાનો નિર્ણય લેવાનું કહ્યું છે.
હવે ઓબીસી મહાસંઘ અને ભુજબળ સામસામે
મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણી માન્ય રાખીને ઓબીસી ક્વોટામાં જેમને પહેલેથી કુણબી સર્ટિફિકેટ આપવામાં આવ્યાં છે તેમના પરિવારજનોને આવાં સર્ટિફિકેટ આપવા સંબંધી જીઆર જારી કર્યો છે એનો ઓબીસી નેતા અને સરકારના કૅબિનેટ પ્રધાન છગન ભુજબળ વિરોધ કરી રહ્યા છે. તેમણે રવિવારે પોતાના ઘરે ઓબીસી નેતાઓની બેઠક બોલાવીને રાજ્યભરમાં ઓબીસી યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. જોકે ઓબીસી મહાસંઘના અધ્યક્ષ બબનરાવ તાયવાડેએ છગન ભુજબળના નિર્ણયનો વિરોધ કર્યો છે. બબનરાવ તાયવાડેએ ગઈ કાલે એક મરાઠી ન્યુઝ ચૅનલના માધ્યમથી કહ્યું હતું કે ‘મરાઠા સમાજનાં સગાંસંબંધીઓને કુણબી સર્ટિફિકેટ આપવાનો જીઆર જૂનો છે. આથી ઓબીસી આરક્ષણને આંચ નથી આવતી. મરાઠા સમાજમાં ૫૭ લાખ કુણબી નોંધ મળી આવી છે. આ નોંધ જૂની જ છે. નવાં કુણબી પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યાં છે એની સંખ્યા ઓછી છે. આથી ઓબીસી આરક્ષણને બચાવવા માટે આંદોલન કરવાની જરૂર નથી.’


