આજે સાંજે ૬ વાગ્યે મીરા રોડ-ઈસ્ટના શાંતિ ગાર્ડન નિત્યાનંદનગર નજીક એટલે કે જે મારવાડી દુકાનદાર સાથે વિવાદ થયો હતો તેની દુકાન નજીક રાજ ઠાકરેની સભાનું આયોજન થવાનું છે.
રાજ ઠાકરે
મીરા રોડમાં મારવાડી સમુદાયની ૩ જુલાઈએ યોજાયેલી વિરોધ સભા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના કાર્યકરો અને મરાઠી એકીકરણ સમિતિએ ૮ જુલાઈએ કાઢેલા મોરચાને જબરદસ્ત સફળતા મળ્યા બાદ આજે MNSના પ્રમુખ રાજ ઠાકરે મીરા રોડમાં સભા યોજવાના છે. આજે સાંજે ૬ વાગ્યે મીરા રોડ-ઈસ્ટના શાંતિ ગાર્ડન નિત્યાનંદનગર નજીક એટલે કે જે મારવાડી દુકાનદાર સાથે વિવાદ થયો હતો તેની દુકાન નજીક રાજ ઠાકરેની સભાનું આયોજન થવાનું છે. આ સભામાં રાજ ઠાકરે મરાઠી નાગરિકો તેમ જ મોરચામાં જોડાયેલા લોકોનો આભાર માનવાના છે. મીરા રોડ અને ભાઈંદરમાં ‘વાઘ યેતોય... પાહાયલા આણિ એકાયલા નક્કી યા’ લખેલાં બૅનર દરેક જગ્યાએ લગાડવામાં આવ્યાં છે. જોકે એ માટે પોલીસે ભારે બંદોબસ્ત ગઈ કાલ સાંજથી જ મીરા-ભાઈંદરમાં ગોઠવી દીધો છે.
MNSના થાણે-પાલઘર વિભાગના એક કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે હજારોની સંખ્યામાં MNSના કાર્યકરો રાજસાહેબને જોવા માટે મીરા રોડ આવશે. સાંજે ૬ વાગ્યે રાજ ઠાકરેની સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મરાઠીના મુદ્દે નીડરતાથી પોલીસ સામે લડીને મોરચામાં સહભાગી થયેલા તમામ લોકોનો તેઓ આભાર માનશે. આ સભા માટે અમે પોલીસ-પરવાનગી લીધી છે અને એ અમને મળી પણ ગઈ છે.’

