જિગર પાટીલ તરીકે ઓળખાવતા યુવકના આરોપ મુજબ, તેણે ‘મરાઠીનો ઉપયોગ કેમ થતો નથી?’ તેવી ફરિયાદ નોંધાવા કરવા માટે સ્ટેશન માસ્ટર પાસે ફરિયાદ રજિસ્ટર માગ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે સ્ટેશન માસ્ટરે ગુસ્સામાં જવાબ આપ્યો હતો.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના અનેક શહેર ખાસ કરીને મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં મરાઠી ન બોલવા બદલ લોકોની હેરાનગતિ કરવાની સાથે તેમને માર મારવામાં આવ્યો હોવાની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. જોકે તાજેતરમાં એક જુદો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મરાઠીમાં રેલવેની જાહેરાત કેમ ન કરી? તે અંગે પૂછતાં યુવાન સાથે ગેરવર્તન કરી તેની અટકાયત પણ કરવામાં આવી હતી. એક યુવકે ગુરુવારે દાવો કર્યો હતો કે મુંબઈની બહારના ભાયંદર સ્ટેશન પર તેને હેરાન કરવામાં આવ્યો હતો અને ત્રણ કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યો હતો, કારણ કે તેણે પૂછ્યું હતું કે મરાઠીમાં નહીં પણ ફક્ત અંગ્રેજી અને હિન્દીમાં જાહેરાતો કેમ કરવામાં આવે છે? જોકે રેલવે અધિકારીઓએ આ દાવાને ફગાવી દીધો હતો, અને કહ્યું હતું કે પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર જાહેરાતો ત્રણેય ભાષાઓમાં કરવામાં આવે છે.
શું છે મામલો?
ADVERTISEMENT
જિગર પાટીલ તરીકે ઓળખાવતા યુવકના આરોપ મુજબ, તેણે ‘મરાઠીનો ઉપયોગ કેમ થતો નથી?’ તેવી ફરિયાદ નોંધાવા કરવા માટે સ્ટેશન માસ્ટર પાસે ફરિયાદ રજિસ્ટર માગ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે સ્ટેશન માસ્ટરે ગુસ્સામાં જવાબ આપ્યો હતો. જો પાટીલ દલીલ કરવાનું ચાલુ રાખશે તો સ્ટેશન માસ્ટરે રેલવે પ્રોટેક્શન ફોર્સને બોલાવવાની ધમકી આપી હતી. યુવકે દાવો કર્યો હતો કે તેને સ્ટેશન માસ્ટરના રૂમમાં લઈ જવામાં આવ્યો હતો અને લગભગ ત્રણ કલાક રાહ જોવાની ફરજ પાડવામાં આવી હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, પાટીલે સ્ટેશન માસ્ટર સાથે ગેરવર્તણૂક કરી હતી. તેની પાસે માન્ય ટિકિટ પણ નહોતી, જેના કારણે તેને સ્ટેશન પર બેસાડવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે પીટીઆઈને જણાવ્યું હતું કે તેમના નેટવર્ક પર જાહેરાતો હંમેશા મરાઠી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મરાઠી વિરુદ્ધ અ મરાઠી ભાષાનો વિવાદ 15 જાન્યુઆરીએ યોજાનારી મહાનગર પાલિકાની ચુંટણીનો મુદ્દો પણ બની ગયો છે.
મુંબઈમાં અન્ય ભાષાનો વિવાદ
બોરીવલીના ચંદાવરકર રોડ પર શનિવારે રાતે ફરી પાછો ગુજરાતી-મરાઠી વિવાદનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. બોરીવલી-વેસ્ટની નટરાજ લેનમાં રહેતો ૨૩ વર્ષનો તનિષ્ક વાસુ ઓવરટેક કરી આગળ નીકળવા જતાં તેનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકર વૈશભ બોરકર સાથે મરાઠી ન બોલવા વિશે વિવાદ થયો હતો. એ દરમ્યાન થોડી વારમાં જ MNSના અનેક કાર્યકરો ભેગા થઈ જતાં તનિષ્કે માફી માગી હોવાનું વિડિયોમાં જોવા મળ્યું હતું. આ મામલે બોરીવલી પોલીસે ક્રૉસ નૉન કૉગ્નિઝેબલ (NC) ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તનિષ્ક વાસુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારા અગત્યના કામ માટે જઈ રહ્યો હતો ત્યારે આ વિવાદ થયો હતો. આ મુદ્દે મેં બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમ જ મારી સાથે બનેલી ઘટનામાં લીગલ પ્રક્રિયા જાણીને હું કાયદાકીય પ્રક્રિયા તરફ આગળ વધીશ.’


