મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વરસાદનો ભોગ બનેલા લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે તમે ફક્ત તમારી જાતને સંભાળો, બાકી બધું સરકાર પર છોડી દો : ગઈ કાલે કાદવમાંથી ૮ મૃતદેહ શોધી કઢાયા : હજી ૪૦થી ૪૫ લોકો કાદવ હેઠળ દટાયા હોવાની શંકા
હર કામ દેશ કે નામ: સરહદ પર દેશની સુરક્ષા કરતા મિલિટરીના જવાનો કુદરતી આફત વખતે પણ મદદ કરવા એટલા જ સજ્જ હોય છે. પૂરની પરિસ્થિતિ સર્જાતાં મિલિટરીના મુંબઈ, પુણે-ઔંધનાં સ્ટેશન્સ પરથી કુલ ૧૫ ટીમો મદદ માટે ચિપલૂણ, રાયગડ, કોલ્હાપુર, સાતારા એમ અલગ-અલગ જગ્યાએ રવાના કરાઈ હતી. મિલિટરીના જવાનોએ પાણીમાં અટવાયેલા આબાલવૃદ્ધોને બચાવી લીધા હતા, તેમને ઊંચકીને સુરિક્ષત સ્થળે લઈ ગયા હતા તેમ જ તેમને થયેલી નાની-મોટી ઈજાઓની સારાવાર કરીને તેમને દવાઓ અને મેડિકલ હેલ્પ સહિત અન્ય બની શકે એટલી મદદ કરી હતી.
ધોધમાર વરસાદને કારણે રાયગડ જિલ્લાના મહાડમાં તળીએ ગામ પર ગુરુવારે ડુંગરની માટી ધસી પડતાં ગામ એની હેઠળ દટાઈ ગયું હતું અને ૪૯ ગામવાસીઓનાં મોત થયાં હતાં. એનડીઆરએફ અને અન્ય યંત્રણાઓ દ્વારા શુક્રવારથી ત્યાં મદદ કરાઈ રહી છે. ગઈ કાલે બપોરે મુખ્ય પ્રધાન સવાબે વાગ્યે તળીએ ગામ પહોંચ્યા હતા. ત્યારે બચી ગયેલા ગામવાસીઓ દ્વારા તેમને આંખોમાં આંસુઓ સાથે અરજ કરાઈ હતી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમને સંબોધતાં કહ્યું હતું કે ‘તમારા પર આવી પડેલી આપદા ખરેખર બહુ જ મોટી છે. એથી તમે ફક્ત તમારી જાતને સંભાળો, બાકી બધું સરકાર પર છોડી દો. અમે તમારું પુનર્વસન કરીશું. બધાને જ મદદ આપવામાં આવશે.’
થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમ ગઈ કાલે સવારે તળીએ ગામ પહોંચી હતી. એણે પણ ભારે કાદવમાંથી ૮ મૃતદેહ શોધી કાઢતાં બપોર સુધીમાં મૃતકોનો આંકડો ૪૯ પર પહોંચ્યો હતો. હજી ૪૦થી ૪૫ લોકો કાદવ હેઠળ દટાયા હોવાની શંકા છે. મૃતદેહ શોધી કાઢવા બહુ જ કાળજી લેવી પડતી હતી, કારણ કે માટી અને પાણીના કારણે થયેલા કાદવમાં એક-એક ડગલું મૂકતાં જ પગ એ ગારામાં એકથી દોઢ ફૂટ જેટલો અંદર જતો રહેતો હતો. એમાં બૅલૅન્સ જાળવીને કાદવમાં કોઈ જીવતું ફસાયું હોય તો તેને બચાવી લેવાય એથી કાળજીથી પગ માંડવા પડતા હતા અને કાદવ ઉખેળીને દટાયેલાની શોધ ચલાવાતી હતી.
ADVERTISEMENT
તળિયે ગામના મૃતકોના પરિવારજનો કે સંબંધીઓ જેઓ બહારગામ હતા અને બચી ગયા હતા તેઓ જેમ-જેમ જાણ થતી ગઈ એમ તળીએ ગામ પહોંચી રહ્યા હતા અને ત્યાં તેમના પરિવારના સંબંધીઓના મૃતદેહો જોઈ હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. એને કારણે આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું.
એક જ પરિવારના ૬ સભ્યોના એક જ ચિતા પર અગ્નિદાહ
સાતારાના પાટણ તાલુકાના આંબેઘરમાં ભેખડ ધસી પડતાં ૧૪થી ૧૬ લોકો માટી હેઠળ દટાઈ ગયા હતા. એમાંથી ૧૧ જણનાં મૃત્યુ થયા હતા. એમાં ઉત્તમ કોળેકર પરિવારના ૬ સભ્યોનો સમાવેશ થતો હતો. આખો કોળેકર પરિવાર મૃત્યુ પામ્યો હતો. ગઈ કાલે મૃતકોનું પોસ્ટમૉર્ટમ કર્યા બાદ સંબંધીઓને તેમના મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. એ પછી એક જ ચિતા ખડકી એકસાથે એ ૬ મૃતદેહોને એના પર ગોઠવીને એમને અગ્નિદાહ અપાયો હતો. એમાં એક નાના બાળકનો પણ સમાવેશ હતો.
ચિપલૂણમાં ૧૨૦૫ જણને સુરક્ષિત સ્થળે ખસેડાયા
ચિપલૂણમાં થયેલી અતિવૃષ્ટિને કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા. હવે વરસાદ ધીમો પડતાં અને પાણી ઓસરતાં અનેક લોકોને મદદ કરવામાં આવી રહી છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે એમ રાજ્યના પરરિવહનપ્રધાન અનિલ પરબે ગઈ કાલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ અને સ્થાનિક યંત્રણા એમ બધાના સહકાર સાથે આ બચાવકાર્ય હાથ ધરાયું હતું. અંદાજે આ સંસ્થાઓના ૨૦૦ જેટલા જવાનો ગઈ કાલે સવારથી જ આ કામમાં ભાગ લઈ રહ્યા હતા. અંદાજે ૧૨૦૫ લોકોને સુરક્ષિત શિફ્ટ કરી લેવાયા છે. તેમની રહેવા-ખાવાની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરાઈ છે.’
મદદ માટે અનેક સંસ્થાઓ આગળ આવી
પૂર અને હોનારતનો ભોગ બનેલા અનેક લોકોને મદદની જરૂર હોવાથી અનેક સંસ્થાઓ અને એનજીઓ મદદ કરવા આગળ આવી રહી છે. મુખ્યત્વે હાલ તો જે લોકો બચી ગયા છે તેમને ભોજન અને દવા-પાણીની ખાસ જરૂર છે. હાલ તેમને તૈયાર ફૂડ-પૅકેટ્સ આપવામાં આવી રહ્યાં છે. હવે આખેઆખા ગામમાં જ પાણી ભરાઈ ગયાં હોવાથી બધી જ સામગ્રી બહારથી લાવવી પડે એમ છે. લોકોને રાતે સૂવા-ઓઢવા ચટાઈથી માંડીને ચાદર પણ બહારથી મગાવીને આપવી પડે છે. એ પછી જે લોકો પાણી ઓસરતાં તેમના ઘરે જઈ રહ્યા છે તેમની ઘરવખરી, અનાજ બધું જ તણાઈ ગયું હોવાથી તેમને અનાજની કિટ આપવામાં આવી રહી છે. કપડાં, દવાઓ અને અન્ય જીવનજરૂરિયાતની ચીજોનું ડિસ્ટ્રિબ્યુશન પણ કરવામાં આવી રહ્યું છે.


