ઊર્મિલા કોરેનું ઘટનાસ્થળે તો ઓમકારનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું
પ્રતીકાત્મક તસવીર
રાયગડ જિલ્લાના રોહામાં બાવન વર્ષની ઊર્મિલા સિદ્ધરામ કોરે નામની મહિલાએ ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે તેમની દીકરીના એક વર્ષના પુત્ર ઓમકાર બોગડને ઘરની અગાસી પર લઈ ગયા બાદ પડતું મૂક્યું હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. ઊર્મિલા કોરેનું ઘટનાસ્થળે તો ઓમકારનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જમાઈ પુત્રને લેવા માટે આવ્યાે હતાે અને તેઓ સૂતા હતા ત્યારે ઊર્મિલા કોરે દીકરીના પુત્રને લઈને અગાસી પર ગયાં હતાં.
રોહા પોલીસના જણાવ્યા મુજબ રોહા-કોલાડ રોડ પર આવેલા ઓમ ચેમ્બર્સમાં ઊર્મિલા કોરે પતિ સાથે રહેતાં હતાં. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે દીકરીના પુત્ર ઓમકાર બોગડને ટ્યુમર થયું હતું એટલે તેની સારવાર ચાલતી હતી. ગઈ કાલે જમાઈ પુત્રને મુંબઈ લઈ જવા માટે રોહા આવ્યાે હતાે. સવારે નાસ્તો-પાણી કરીને જમાઈ ઓમકાર સાથે મુંબઈ જવા નીકળવાનાે હતાે એ પહેલાં સાડાછ વાગ્યે ઊર્મિલા કોરે ઓમકારને લઈને બિલ્ડિંગની અગાસી પર ગયાં હતાં અને ઉપરથી કૂદકો માર્યો હતો. આ ઘટનામાં બન્નેનાં મૃત્યુ થયાં છે. ઊર્મિલા કોરે માનસિક બીમારીથી પરેશાન હતાં અને ઓમકારને પણ ટ્યુમર હતું એટલે હતાશામાં આવી જઈને તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.


