બળાત્કારની ઘટનાના લગભગ ૬૮ કલાક બાદ આરોપી દત્તાત્રય ગાડેને પોલીસે ગુનાટ ગામના રહેવાસીઓની મદદથી ખેતરમાંથી પકડ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
પુણેના સ્વારગેટ બસ-ડેપોમાં ૨૬ વર્ષની યુવતી પર બળાત્કાર કરીને આરોપી પલાયન થઈ ગયો હતો. ૪૮ કલાક સુધી આરોપીનો પત્તો નહોતો લાગ્યો એટલે પુણે પોલીસે આરોપીની માહિતી આપનારને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. બળાત્કારની ઘટનાના લગભગ ૬૮ કલાક બાદ આરોપી દત્તાત્રય ગાડેને પોલીસે ગુનાટ ગામના રહેવાસીઓની મદદથી ખેતરમાંથી પકડ્યો હતો. આથી જે વ્યક્તિએ આરોપીને પકડવા માટે મહત્ત્વની લીડ આપી હતી તેને આ ઇનામ આપવાનું પોલીસે જાહેર કર્યું હતું. જોકે ગામવાસીઓનું માનવું છે કે આ કેસને લીધે ગામની બહુ બદનામી થઈ છે અને હવે પોલીસનું ઇનામ લેવાથી ગામની વધારે બદનામી થશે અને છોકરા-છોકરીઓ સાથે કોઈ લગ્ન નહીં કરે. આને લીધે ગુનાટ ગામના રહેવાસીઓએ પોલીસ પાસેથી ઇનામની રકમ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે, પણ પોલીસને તમામ જરૂરી સહાય કરવાની તેમણે તૈયારી બતાવી છે.
ઉલ્લેખનીય છે કે ૨૫ ફેબ્રુઆરીએ સવારે દત્તાત્રય ગાડે સ્વારગેટ બસ-ડેપોમાં યુવતી પર બળાત્કાર કરીને ભાગી ગયો હતો. આરોપી ત્યાર બાદ પુણેથી તેના ગુનાટ ગામમાં આવેલા ઘરે ગયો હતો. એ પછી તે ગામ નજીકના શેરડીના ખેતરમાં છુપાઈ ગયો હતો. પોલીસે શેરડીના ખેતરમાં લગભગ ૧૮ કલાક સુધી તપાસ કરીને ગામવાસીઓની મદદથી દત્તાત્રય ગાડેની ધરપકડ કરી હતી.


