PMCએ RO પ્લાન્ટના પાણીનાં સૅમ્પલ લીધાં હતાં અને એની ચકાસણી કરાવવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં ગિયાન બારે સિન્ડ્રૉમ (GBS)ને કારણે ૬ જણનાં મોત થયાં છે અને કેસ વધીને ૧૭૦ થયા હોવાથી આ બાબતે જરૂરી પગલાં લઈ રહેલી પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)એ રિવર્સ ઑસ્મોસિસ (RO)ના ૧૯ પ્લાન્ટ બંધ કરી દીધા છે. PMCની તપાસમાં જણાઈ આવ્યું હતું કે સૌથી વધુ GBSના કેસ મળી આવ્યા એવા પુણેના નાંદેડ ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકો મોટા ભાગે ROનું પાણી વાપરે છે એથી PMCએ RO પ્લાન્ટના પાણીનાં સૅમ્પલ લીધાં હતાં અને એની ચકાસણી કરાવવામાં આવી હતી. એ ચકાસણીમાં જણાયું હતું કે ૧૯ RO પ્લાન્ટનું પાણી પીવાયોગ્ય નથી એથી એ ૧૯ RO પ્લાન્ટને સીલ કરવામા આવ્યા છે.
એ સિવાય PMC દ્વારા GBSની તપાસ માટે રૅપિડ રિસ્પૉન્સ ટીમ બનાવી છે. એની તપાસમાં જણાયું છે કે ૨૬ જેટલા દરદીઓ નાંદેડ અને એની આસપાસના સિંહગડ વિસ્તારના હતા. એ વિસ્તારમાં પીવાના પાણીની જે સપ્લાય થતી હતી એમાં ક્લૉરિન પણ નહોતું. ગિયાન બારે સિન્ડ્રૉમ અંતર્ગત દરદીના પગ બહેર મારી જાય છે અને સખત અશક્તિ લાગે છે.

