એક જ દિવસમાં પાંચ ઇંચ વરસાદ, હિંજવડીમાં વાહનો ફ્લોટ થતાં જોવા મળ્યાં
પુણેમાં વરસાદે સરજ્યો વેવપૂલ
પુણેમાં શનિવારે એક જ દિવસમાં પાંચ ઇંચ વરસાદ વરસતાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT)ના હબ ગણાતા હિંજવડી વિસ્તાર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વાહનો જ્યારે પાણીમાંથી પસાર થતાં હતાં ત્યારે જે રીતે વેવપૂલમાં મોજાં ઊછળતાં હોય એવાં દૃશ્યો પુણેના રોડ પર જોવા મળી રહ્યાં હતાં. લોકોએ આ વિશેના અનેક વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.
હિંજવડી રાજીવ ગાંધી ઇન્ફોટેક પાર્કમાં ૪૦૦ જેટલી ITની અને ITને લગતી સર્વિસ આપતી કંપનીઓ છે. આખો વિસ્તાર શનિવારે ભારે વરસાદને કારણે પાણીની નીચે જતો રહ્યો હતો. પાણી વહી જવાની અપૂરતી વ્યવસ્થાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઉપરાંત હાલ કન્સ્ટ્રક્શનનાં અનેક કામ અને મેટ્રોનાં કામ ઠેર-ઠેર ચાલી રહ્યાં હોવાથી ટેકરીઓ પરથી વહીને આવતા પાણીને પણ ડ્રેનેજમાં વહી જવાની જગ્યા ન રહેતી હોવાથી એ પાણી પણ રસ્તા પર જ ફેલાયાં હતાં જે લોકોની મુસીબતમાં વધારો કરી રહ્યાં હતાં. શનિવારે પડેલા ધોધમાર વરસાદને કારણે હવામાન ખાતાએ ગઈ કાલે પુણેમાં યલો અલર્ટ જાહેર કરી હતી.
ADVERTISEMENT
સુપ્રિયા સુળેનો સવાલ
હિંજવડી ફેઝ-ટૂમાં ભરાયેલાં પાણી બાબતે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં નેતા સુપ્રિયા સુળેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘ભારે વરસાદને કારણે હિંજવડી ફેઝ-ટૂમાં આવેલી રાયન ઇન્ટરનૅશનલ સ્કૂલ પાસે બહુ પાણી ભરાયાં છે. શંકા આવે છે કે આ વિસ્તારમાં પાણીનો નિકાલ થવાની કોઈ ડ્રેનેજ-સિસ્ટમ છે કે નહીં? પાણી સરળતાથી વહી જાય એ માટે ગટરો સાફ કરવી જોઈતી હતી, પણ એ કામ સમયસર થયું હોય એવું લાગી નથી રહ્યું. મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)એ આ બાબતે વહેલી તકે ધ્યાન આપવાની જરૂર છે અને ફરી અહીં પાણી ન ભરાય અને લોકો હેરાન ન થાય એ માટે લાંબા ગાળાનાં પગલાં લેવાવાં જોઈએ.’

