પુણેના પોલીસ-અધિકારીને લાંચ નહોતી લેવી એટલે આપનારની ACBમાં ફરિયાદ કરીને ધરપકડ કરાવી
આરોપી હસન બારટક્કે
લાંચ લેવી અને આપવી એ ગુનો છે. સામાન્ય રીતે કોઈ સરકારી અધિકારી કે કર્મચારીની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવે છે, પણ પુણેમાં એક અજબ મામલો જાણવા મળ્યો છે જેમાં એક પોલીસ-અધિકારીને લાંચ આપવા માટે વારંવાર પ્રયાસ કરનારાની ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ છટકું ગોઠવીને ગઈ કાલે ધરપકડ કરી હતી. પુણે ACBના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘૪૫ વર્ષનો હસન અલી બારટક્કે અહીંના બંડગાર્ડન પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર નંદકુમાર કદમને છેલ્લા કેટલાક સમયથી ૨૦૦૦ રૂપિયાની લાંચ આપવા માટે પાછળ પડ્યો હતો. ઇન્સ્પેક્ટર લાંચ લેવા નહોતો માગતો અને આ વ્યક્તિથી પરેશાન થઈ ગયો હતો એટલે તેણે ACBનો સંપર્ક કર્યો હતો. આથી ACBએ ગઈ કાલે છટકું ગોઠવીને હસન બારટક્કેની ઇન્સ્પેક્ટર નંદકુમાર કદમને ૨૦૦૦ રૂપિયાની લાંચ આપવાના આરોપસર ધરપકડ કરી હતી.’
પુણે ACBમાં લાંબા સમય બાદ લાંચ લેવા બદલ નહીં પણ લાંચ આપવાના આરોપસર કોઈની ધરપકડ કરવામાં આવી છે.


