ગળા પર મળેલાં રસીનાં નિશાનને લીધે પોલીસે પૂછપરછ કરી તો આરોપી દત્તાત્રય ગાડેએ સુસાઇડની કોશિશ કરી હોવાનો દાવો કર્યો હતો, પણ રસી તૂટી જવાથી એમાં સફળ ન રહ્યો હોવાનું ગામવાળાઓએ કહ્યું હતુંઃ આરોપીને મોકલાયો ૧૨ દિવસની પોલીસ-કસ્ટડીમાં
દત્તાત્રય ગાડે
પુણેના સ્વારગેટ બસ ડેપોમાં ૨૬ વર્ષની યુવતી પર બસની અંદર બળાત્કાર કરનારા નરાધમ દત્તાત્રય ગાડેને પોલીસે ગુરુવારે મધરાત બાદ દોઢ વાગ્યે તેના ગામના ખેતરમાંથી પકડી પાડ્યો હતો. જોકે પોલીસના હાથમાં આવતાં પહેલાં તેણે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પણ જે રસીની મદદથી તે ગળાફાંસો ખાવા ગયો હતો એ તૂટી જવાને લીધે બચી ગયો હતો. તેના ગળા પર રસીનાં નિશાન જોયા બાદ પોલીસે કરેલી પૂછપરછમાં તેણે સુસાઇડની કોશિશ કરી હોવાનું કહ્યું હતું. જોકે તેના આ દાવામાં કેટલો દમ છે એની તપાસ કરવા પોલીસની એક ટીમ તેના ગામમાં જવાની છે. એવું પણ કહેવાય છે કે આત્મહત્યા કરતી વખતે રસી તૂટ્યા બાદ ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તેને બચાવ્યો હતો.
આ બાબતે પુણેના પોલીસ-કમિશનર અમિતાભ કુમારે પત્રકારોને કહ્યું હતું કે ‘અમે આરોપીનું મેડિકલ ચેકઅપ કર્યું એમાં તેના ગળા પર નિશાન દેખાયાં હતાં. એના પરથી તેણે આત્મહત્યાની કોશિશ કરી હતી એવું કહેવાય છે. લોકોનું કહેવું છે કે રસી તૂટી જવાને લીધે ગામવાળા ત્યાં પહોંચી ગયા હતા એમાં તે બચી ગયો હતો. આ વાતની સત્યતા તપાસવા માટે અમારી એક ટીમે ત્યાં જવું પડશે.’
ADVERTISEMENT
આરોપી દત્તાત્રય ગાડે પુણે જિલ્લાના શિરુર તાલુકામાં આવેલા પોતાના ગુનાટ ગામમાં શેરડીના ખેતરમાં છુપાયેલો હતો. ગઈ કાલે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં મૅજિસ્ટ્રેટે તેને ૧૨ દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી.
મુખ્ય પ્રધાને ગૃહ રાજ્યપ્રધાનને શું સલાહ આપી?
ગઈ કાલે આ કેસ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્રકારોએ પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘આરોપીને પકડવા માટે પોલીસે જુદી-જુદી ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો. પુણેના પોલીસ-કમિશનરે એમાંથી અમુક માહિતી તમને આપી છે. અત્યારે એના સિવાયની કોઈ પણ માહિતી આપવી યોગ્ય ન કહેવાય. તમામ માહિતી તમને (મીડિયાને) યોગ્ય સમયે આપવામાં આવશે.’
ગૃહ રાજ્યપ્રધાન યોગેશ કદમે ગુરુવારે પત્રકારોને પીડિત યુવતીએ પ્રતિકાર નહોતો કર્યો એવું કહ્યું હોવાથી તેમના આ સ્ટેટમેન્ટની ભારે નિંદા થઈ રહી છે ત્યારે રાજ્યના ચીફ મિનિસ્ટરે આ બાબતે કહ્યું હતું કે ‘યોગેશ કદમના વિધાનને ખોટી રીતે લેવામાં આવી રહ્યું છે. સ્વારગેટ ડેપો ભીડભાડવાળી જગ્યા હોવાથી અનેક લોકો ત્યાં હતા. ગુનો જે બસમાં આચરવામાં આવ્યો એ બહારની બાજુએ હોવા છતાં લોકોને પ્રતિકાર કરવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં નહોતું આવ્યું એવું યોગેશ કદમ કહેવા માગતા હતા. કદમ નવા પ્રધાન બન્યા છે એટલે મારી તેમને સલાહ છે કે આવા પ્રકરણમાં બોલતી વખતે આપણે વધારે સંવેદનશીલ બનીને બોલવું જોઈએ.’
સહમતીથી સંબંધનો દાવો
પોલીસની પૂછપરછ દરમ્યાન આરોપી દત્તાત્રેય ગાડેએ પોતાનો ગુનો કબૂલ્યો હતો, પણ તેણે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે અમે સહમતીથી સંબંધ બાંધ્યો હતો. જોકે પોલીસ તેની આ વાત માનવા તૈયાર નથી. કોર્ટમાં આરોપીના વકીલ વાજિદ ખાને પણ કહ્યું હતું કે ‘મારા અસીલે કોઈ જબરદસ્તી નહોતી કરી. આ ઘટના સવારે ૫.૪૫ વાગ્યે બની હતી. પીડિતાએ બૂમાબૂમ કરીને મદદ માગવી જોઈતી હતી. કંઈ પણ જબરદસ્તીથી નહોતું થયું.’
એક લાખનું ઇનામ
ગઈ કાલે પત્રકારોને સંબોધી રહેલા પુણેના પોલીસ-કમિશનર અમિતાભ કુમારે કહ્યું હતું કે ‘ગામની જે વ્યક્તિએ અમને આરોપી વિશે મહત્ત્વની માહિતી આપી હતી તેને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ સિવાય ગુનાટ ગામના લોકોએ પણ અમારી સારી એવી મદદ કરી હોવાથી તેમના માટે પણ અમારાથી જે શક્ય હશે એ કરીશું.’
પુણેમાં જે પણ ગુનેગારો સામે આ પહેલાં વિનયભંગ, બળાત્કાર જેવા ગંભીર ગુના છે તેમની સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવાની જાહેરાત પુણેના કમિશનરે કરી હતી.


