પૂલમાં પાણીનું સ્તર ઓછું હોવાથી મહિલા સ્લાઇડમાંથી નીકળીને સીધી તળિયે અથડાઈ અને કરોડરજ્જુના ચાર મણકા તૂટી ગયા
અશ્વિની નપ્તે
પુણે જિલ્લાના શિરુર તાલુકામાં આવેલા વૉટર પાર્કમાં સર્જાયેલા અકસ્માતમાં ૩૭ વર્ષની મહિલા કાયમ માટે લકવાગ્રસ્ત થઈ હોવાની કરુણ ઘટના સામે આવી છે. જય મલ્હાર કૃષિ પર્યટન ખાતે બનેલી આ ઘટનાએ આવાં સ્થળો પર સુરક્ષાનાં સાધનોના અભાવ વિશે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પોલીસે આપેલી માહિતી મુજબ અશ્વિની નપ્તે પોતાના પરિવાર સાથે આ પાર્કની મુલાકાતે ગઈ હતી. વૉટર સ્લાઇડનો ઉપયોગ કરતી વખતે પૂલમાં પાણીનું સ્તર ખૂબ ઓછું હોવાને કારણે અશ્વિની સ્લાઇડ પરથી નીચે આવતાં જ જોરદાર વેગ સાથે પૂલના તળિયે અથડાઈ હતી. જોરદાર પછડાવાને લીધે તે બેભાન થઈ ગઈ હતી.
ADVERTISEMENT
હૉસ્પિટલમાં તપાસ દરમ્યાન જણાયું હતું કે અશ્વિનીની કરોડરજ્જુના ચાર મણકા તૂટી ગયા છે જેના કારણે તેને કમર નીચેના ભાગમાં કાયમી લકવો થઈ ગયો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે વૉટર પાર્કમાં પ્રાથમિક સારવારની કોઈ સુવિધા નહોતી. ઇમર્જન્સી માટે ઍમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ ન હોવાથી ખાનગી ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી પડી હતી જેના કારણે સારવારમાં વિલંબ થયો અને મહિલાની સ્થિતિ વધુ વણસી હતી.
આ મામલે કિરણ નપ્તે દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે શિરુર પોલીસે સેન્ટરના માલિક અને મૅનેજર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
