મુંબઈને પીવાલાયક પાણીનો જથ્થો પૂરો પાડતાં સાત તળાવોમાં પણ પાણીનો જથ્થો વધ્યો
ગઈ કાલે ઓવરફ્લો થતા પવઈ લેકની નીચે જળમસ્તી કરતા છોકરાઓ. તસવીર : સતેજ શિંદે
મુંબઈમાં ચોમાસું બરાબર જામ્યું છે ત્યારે સારા વરસાદને કારણે બુધવારે સવારે ૬ વાગ્યે પવઈ લેક એની ક્ષમતા સુધી ભરાઈને છલકાઈ ગયું હતું. મુંબઈનાં કૃત્રિમ તળાવોમાંના એક પવઈના તળાવમાંથી મુંબઈગરાઓને પીવા માટેનું પાણી મળતું નથી. આ તળાવનું પાણી ઉદ્યોગો માટે અને આરે કૉલોનીમાં પીવા સિવાયના કામ માટે વાપરવામાં આવે છે. આ તળાવની કુલ ક્ષમતા મુજબ ૫૪૫.૫ કરોડ લિટર પાણીની છે. આ તળાવ છલાકાયા પછી એનું પાણી મીઠી નદીમાં જઈને મળે છે. ગયા વર્ષે પવઈ લેક ૮ જુલાઈએ છલકાયો હતો.
ચાર દિવસથી મુંબઈને પાણી પૂરું પાડતાં સાત તળાવોના વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો છે. જેને લીધે કુલ પીવાલાયક પાણીનો જથ્થો વધીને ૧૦.૧૯ ટકા થયો છે. ગયા વર્ષે ૧૮ જૂન સુધી પીવાના પાણીનો કુલ જથ્થો ૫.૩૫ ટકા જ ઉપલબ્ધ હતો, પરંતુ આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થતાં મુંબઈગરાઓની પાણીની ચિંતા થોડી ઓછી થઈ છે.

