જોકે આમાં ફટાકડા ફોડનારા કેટલા અને વેચનારા કેટલા એની કોઈ સ્પષ્ટતા નથી

દિવાળીના બે દિવસમાં પોલીસે ૮૦૬ લોકો પર કાર્યવાહી કરી
મુંબઈ ઃ દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાને કારણે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં વાયુપ્રદૂષણ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હાઈ કોર્ટે દરરોજ બે કલાક ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી. બીજી તરફ પ્રદૂષણ રોકવા મુંબઈ પોલીસે શનિવાર અને રવિવાર બન્ને દિવસ દરમ્યાન ૮૦૬ લોકો પર ઘાતક પદાર્થ અધિનિયમ ઍક્ટ અનુસાર કાર્યવાહી કરી હતી. જોકે આમાં ૯૦ ટકા ફટાકડા વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં દિવસે-દિવસે વાયુપ્રદૂષણ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હાઈ કોર્ટે ૧૦ નવેમ્બરે વાયુપ્રદૂષણની અરજીની સુનાવણી દરમ્યાન આપેલા આદેશમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે રાતે ૮થી ૧૦ વાગ્યા દરમ્યાન ફટાકડા ફોડવાના અને એ પછી ફટાકડા ફોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઈ કોર્ટે આપેલા ઉપરોક્ત નિર્દેશને ગંભીરતાથી લીધા બાદ મુંબઈનાં તમામ પોલીસ-સ્ટેશનોમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં ૧૦થી ૧૨ નવેમ્બર દરમ્યાન મુંબઈનાં પોલીસ-સ્ટેશનોમાં કુલ ૭૮૪ ગુના નોંધાયા હતા અને ૮૦૬ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહીમાં ૯૦ ટકા ફટાકડા વેચનારાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી અને માત્ર ૧૦ ટકા ફટાકડા ફોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ ડિપાર્ટમેન્ટે ફટાકડા ફોડનાર અને વેચનાર બન્ને સામે કાર્યવાહી કરી છે. એમાં આશરે ૭૮૪ ફરિયાદ મુંબઈનાં પોલીસ-સ્ટેશનોમાં નોંધાઈ હતી.’ જોકે આમાં ફટાકડા ફોડનારાઓ કેટલા? એનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.
અન્ય એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘હાઈ કોર્ટે આપેલા આદેશ બાદ આશરે ૨૦૦થી વધારે કૉલ કન્ટ્રોલમાં આવ્યા હતા કે મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં ફટાકડા ૧૦ વાગ્યા પછી પણ ફૂટી રહ્યા છે. જોકે અમારી ટીમ ઘટનાસ્થળે ગઈ ત્યારે કોઈ મળ્યું નહોતું. નાનાં બાળકો મોટા ભાગે ફટાકડા ફોડતાં હોય છે, પણ તેમની સામે કાર્યવાહી કરવી યોગ્ય નથી અને એ શક્ય પણ નથી. મોટા ભાગની કાર્યવાહી ગેરકાયદે ફટાકડા વેચનારાઓ સામે કરવામાં આવી છે.’

