ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગ્રુપમાં બેફામ બાઇક દોડાવતા બાઇકર્સ વિરુદ્ધ પોલીસ કડક: છ લોકોને તાબામાં લઈને વાહનો જપ્ત કર્યાં
રીલ બનાવવા ટોળામાં ટૂ-વ્હીલર પર નીકળેલા યુવાનો.
હેલ્મેટ વગર ટૂ-વ્હીલર ચલાવીને અને વાહનોનાં હૉર્ન વગાડીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રીલ તૈયાર કરતા છ લોકો સામે થાણેની ચિતલસર પોલીસે કાર્યવાહી કરીને તેમનાં વાહનો જપ્ત કર્યાં હતાં. આરોપીઓ સામે પોલીસે પ્રતિબંધક હુકમનું ઉલ્લંઘન કરીને ટ્રાફિકને અવરોધવા બદલ કેસ નોંધ્યો છે. પોલીસે થાણેના તમામ રીલસ્ટારને ચેતવણી આપી છે કે તેઓ આગામી દિવસોમાં થાણેમાં સ્વયંઘોષિત દાદા અને ભાઈના નામે ઓળખ આપીને માત્ર રીલ તૈયાર કરવા જાહેર વિસ્તારમાં ઘોંઘાટ કરશે અથવા ટ્રાફિક કે પોલીસના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ચિતલસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ વરુડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેમાં શિવસેના સાથે જોડાયેલા માથાડી સંગઠનના અધિકારી અજય પાસી અને તેના સાથીઓ ગુરુવારે થાણેના પોખરણ રોડ-નંબર બે પર હોમ ઑફ ફેથ સ્કૂલની સામેના રસ્તા પર ટૂ-વ્હીલર ચલાવીને સ્ટન્ટ કરતા તેમ જ રીલ તૈયાર કરતા હોવાના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. આ વિડિયોમાં તેઓ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી કૅડબરી સિગ્નલ અને નીતિન કંપની જંક્શન સુધી બાઇક દોડાવતા જોવા મળ્યા હતા. એમાં ટૂ-વ્હીલર પર ૧૦૦થી ૧૫૦ યુવાનોએ ભાગ લીધો હતો. એમાંના કેટલાક લોકો ટૂ-વ્હીલર પર ટ્રિપલ સીટ પર સવાર હતા અને ત્રણે લોકોએ હેલ્મેટ પહેરી નહોતી. ઉપરાંત ઈસ્ટર્ન એક્સપ્રેસવેના સિગ્નલ પર ટ્રાફિક જૅમ થયો હતો. આ કારણે પ્રતિબંધક હુકમનું ઉલ્લંઘન કરીને જાહેર ટ્રાફિકને અવરોધવા બદલ ૬ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અજય પાસી, ઓમકાર પંચાલ, અનિકેત જાધવ, આકાશ બિંદ, રાજ સોનારને કસ્ટડીમાં લીધા છે. આ ઉપરાંત તમામની વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.’


