મુંબઈના પોલીસ-કમિશનરે ખાર પોલીસના સ્ટાફની પીઠ થાબડી
ખાર પોલીસે ડૂબી રહેલા બે યુવાનોને બચાવ્યા હતા.
ખાર-વેસ્ટમાં આવેલા કાર્ટર રોડ પર ગુરુવારે બે લોકો ડૂબી રહ્યા હોવાની જાણ કરવામાં આવતાં ખાર પોલીસના એક ઇન્સ્પેક્ટર અને ત્રણ કૉન્સ્ટેબલે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સમુદ્રમાંથી બે યુવકને બહાર કાઢીને તેમના જીવ બચાવ્યા હતા. પાણીમાં ડૂબી જવાથી યુવાનોનાં પેટ અને ફેફસાંમાં પાણી ભરાઈ ગયો હતો, જે પોલીસે કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) આપીને બહાર કાઢ્યું હતું. બાદમાં તાત્કાલિક યુવાનોને ભાભા હૉસ્પિટલમાં લઈ ગયા હતા. હૉસ્પિટલમાં પહોંચ્યા બાદ યુવાનોને હોશ આવી ગયો હતો એટલે તેઓ બચી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરે ખાસ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર રાજી ગાયકવાડ, હેડ કૉન્સ્ટેબલ વિકાસ બાબર, કૉન્સ્ટેબલ રમેશ વળવી અને કૉન્સ્ટેબલ રવિ મોકાશીની બહાદુરીને બિરદાવતી પોસ્ટ સોશ્યલ મીડિયામાં કરી હતી.