ભાંડુપ-વેસ્ટમાં સહ્યાદ્રિ નગરની એક સોસાયટીમાં દેહવેપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે ભાંડુપ પોલીસે મંગળવારે સાંજે ડમી ગ્રાહક મોકલીને ઘટનાસ્થળે રેઇડ પાડી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભાંડુપ-વેસ્ટમાં સહ્યાદ્રિ નગરની એક સોસાયટીમાં દેહવેપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે ભાંડુપ પોલીસે મંગળવારે સાંજે ડમી ગ્રાહક મોકલીને ઘટનાસ્થળે રેઇડ પાડી હતી અને દેહવેપાર ચલાવતા શિરીષકુમાર શેડગેની ધરપકડ કરીને બે યુવતીનો છુટકારો કરાવ્યો હતો. પોલીસને શંકા ન જાય એ માટે પૉશ વિસ્તારમાં ઘર રાખી ત્યાં ગરીબ યુવતીઓને વધારે પૈસાની લાલચ આપી આરોપી આવા ગોરખધંધા કરાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીએ આ પહેલાં પણ ૨૦૨૨માં ઘાટકોપરના એક પૉશ વિસ્તારમાં દેહવેપારનો વ્યવસાય શરૂ કર્યો હતો જેની માહિતી મળતાં પોલીસે ત્યાં રેઇડ પાડીને તેની ધરપકડ કરી હતી. જોકે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી દેહવેપાર ભાંડુપમાં શરૂ કર્યો હતો એમ જણાવતાં ભાંડુપ પોલીસ-સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કિશોર મેંઢેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્ત સૂત્રો પાસેથી અમને શિરીષ વિશેની જાણકારી મળી હતી. જોકે ડાયરેક્ટ તેના ઘરે રેઇડ કરવી શક્ય ન હોવાથી અમે ડમી ગ્રાહક ઊભો કર્યો હતો જેણે સતત બેથી ત્રણ દિવસ શિરીષ સાથે વાત કરી હતી. દરમ્યાન શિરીષે એક યુવતી પાછળ ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ અમે છટકું ગોઠવી તેના ઘરેથી તેની રંગેહાથ ધરપકડ કરી હતી.’

