કહ્યું હતું કે ‘૨૦૦૮ના હુમલામાં મુંબઈને આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. એ સમયે સત્તામાં રહેલી સરકારે નબળાઈનો સંદેશ આપ્યો હતો
ગઈ કાલે નવી મુંબઈ ઍરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં પી. ચિદમ્બરમે તાજેતરમાં આપેલા નિવેદનનો સંદર્ભને લઈને કૉન્ગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘૨૦૦૮ના હુમલામાં મુંબઈને આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. એ સમયે સત્તામાં રહેલી સરકારે નબળાઈનો સંદેશ આપ્યો હતો અને આતંકવાદ સામે શરણાગતિ સ્વીકારી હતી. મુંબઈ હુમલા પછી ભારતનાં સશસ્ત્ર દળો પાકિસ્તાન પર હુમલો કરવા માટે તૈયાર હતાં. સમગ્ર રાષ્ટ્ર આવી કાર્યવાહીને સમર્થન આપે છે. જોકે હમણાં જ એક વિપક્ષી નેતાએ કહ્યું કે ત્યારની સરકારે વિદેશના દબાણને કારણે લશ્કરી પ્રતિક્રિયા અટકાવી દીધી હતી. વિપક્ષ સ્પષ્ટ કરે કે આ નિર્ણય કોણે પ્રભાવિત કર્યો હતો જેના કારણે મુંબઈ અને રાષ્ટ્રની લાગણીઓને ઠેસ પહોંચી. વિપક્ષની નબળાઈએ આતંકવાદીઓને પ્રોત્સાહન આપ્યું અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કર્યાં, જેના પરિણામે દેશના નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.’
શું છે વડા પ્રધાને લૉન્ચ કરેલો STEP પ્રોગ્રામ?
રાજ્યના યુવાઓને ડ્રોન, સોલાર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન જેવી ટેક્નૉલૉજીની ટ્રેઇનિંગ મળશે. સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપે એવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (IoT), ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV), સોલર વગેરે ટેક્નૉલૉજીને લગતા શૉર્ટ ટર્મ એમ્પ્લૉયેબિલિટી પ્રોગ્રામ (STEP)નું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ અંતર્ગત ૨૫૦૦ બૅચ શરૂ કરવામાં આવશે જેમાંથી ૩૬૪ મહિલા બૅચ હશે.
ADVERTISEMENT
મુંબઈમાં બીજું શું બોલ્યા નરેન્દ્ર મોદી?
• છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પર બનેલું આ ઍરપોર્ટ કમળના ફૂલ જેવો આકાર ધરાવે છે, જે સંસ્કૃતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ નવું ઍરપોર્ટ મહારાષ્ટ્રના ખેડૂતોને યુરોપ અને મધ્ય પૂર્વના સુપરમાર્કેટ સાથે જોડશે.
• ૨૦૧૪માં ભારતમાં ફક્ત ૭૪ ઍરપોર્ટ હતાં, આજે આ સંખ્યા ૧૬૦ને વટાવી ગઈ છે. ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે.
• આજે ભારતમાં પહોળા હાઇવે અને એક્સપ્રેસવે નવાં શહેરોને જોડે છે, પર્વતોમાંથી લાંબી ટનલ ખોદવામાં આવે છે, ઊંચા દરિયાઈ પુલ દૂરના કિનારાઓને જોડે છે, વંદે ભારત, એક્સપ્રેસ ટ્રેનો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સ, બધું ભારતની ગતિ અને પ્રગતિ દર્શાવે છે.
• મેટ્રો લાઇન પૂર્ણ થવાથી બેથી અઢી કલાકની મુસાફરી હવે ફક્ત ૩૦થી ૪૦ મિનિટમાં થશે. મુંબઈ જેવા શહેરમાં જ્યાં દરેક મિનિટની ગણતરી રહે છે ત્યારે નાગરિકો ત્રણથી ચાર વર્ષ સુધી આ સુવિધાથી વંચિત રહ્યા હતા એ મોટો અન્યાય હતો.
નરેન્દ્ર મોદી સાથે દિવ્યાંગ બાળકોએ કરી મનની વાત

નવી મુંબઈ ઍરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે દિવ્યાંગ બાળકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના મનની વાત જણાવી હતી. આ બાળકો વડા પ્રધાન માટે ખાસ કાર્ડ અને અન્ય વસ્તુઓ બનાવીને લાવ્યાં હતાં. ફૂલોના બુકે અને ભારતના ધ્વજ સાથે તેમણે નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા અને તેમની સાથે ગોષ્ઠિ કરીને યાદગાર ક્ષણો વિતાવી હતી.


