પર્યાવરણ ક્ષેત્રે જાગરૂકતા માટે બાંદરા રેલવે સ્ટેશન પર બેસાડવામાં આવી અનોખી કલાકૃતિ
જો આપણે જાગ્રત ન થયા તો આવા નળ વાસ્તવિકતા બનશે.
મુંબઈ : બાંદરા રેલવે સ્ટેશન (વેસ્ટ)માં મુસાફરોની મોટા પ્રમાણમાં આવ-જા વચ્ચે એક મોટો ૧૨ ફુટ ઊંચો નળ મૂકવામાં આવ્યો છે જેમાંથી પ્લાસ્ટિકની બૉટલો નીકળે છે. આ કલાકૃતિ પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા એનજીઓ ભામલા ફાઉન્ડેશન દ્વારા મૂકવામાં આવી છે. અહીંથી પસાર થતા તમામ લોકોનું એ ધ્યાન ખેંચે છે. સંસ્થાના સ્વયંસવેકો દ્વારા આ માટે પ્લાસ્ટિકની ૨,૫૦૦ બૉટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી દૂર રહેવા માટે લોકોને જાગૃત કરવાનો છે. એનજીઓના સ્થાપક આસિફ ભામલાએ કહ્યું હતું કે ‘હાલ તો નળમાંથી પાણી આવે છે, પરંતુ અમે લોકોને કહેવા માગીએ છીએ કે એ દિવસ દૂર નથી જ્યારે તમે નળ ખોલશો એટલે પ્લાસ્ટિક આવશે. આ એક વાસ્તવિકતા થવાની છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક નાશ પામતું નથી. આ પ્લાસ્ટિકને કારણે આપણાં સમુદ્રો અને તળાવોને આપણે ભરી નાખ્યાં છે. હવે તો માછલીઓ પણ પ્લાસ્ટિક ખાવા લાગી છે. તેથી આપણે શું ખાઈ રહ્યા છીએ એ વિશે વિચારવાનું થતું નથી. આ વિશે ઘણાબધા સર્વે થયા છે. આ કલાકૃતિ આ મેસેજને યોગ્ય રીતે પહોંચાડશે.’
પાંચમી જૂને પર્યાવરણ દિવસ નિમિત્તે એનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એક મહિના સુધી એ અહીં જ રહશે. વેસ્ટર્ન રેલવે, મુંબઈના ડિવિઝનલ રેલવે મૅનેજર નીરજ વર્માએ કહ્યું હતું કે ‘ચર્ચગેટથી વિરાર વચ્ચે ૨૮ રેલવે સ્ટેશન છે. એમાં અમે બૉટલોને નાશ કરવાના ૫૫ જેટલા પ્લાન્ટ બેસાડ્યા છે.’