જયપુરમાં ઘીમાં ભેળસેળનું કૌભાંડ બહાર આવ્યા બાદ મુંબઈનું FDA પણ તપાસમાં લાગ્યું
પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં અચકાતા નથી. જયપુરમાં પણ આવું જ એક કૌભાંડ સામે આવ્યું હતું જેમાં ઘીમાં ભેળસેળ થતી હોવાના રૅકેટનો પર્દાફાશ થયો હતો. એ જોતાં હવે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) વિભાગ મુંબઈમાં ઘી સહિત ખાદ્યપદાર્થોમાં થતી મિક્સિંગની તપાસમાં લાગી ગયો છે.
FDA હંમેશાં નાગરિકોને ખાદ્યપદાર્થો મિક્સિંગ વગરના મળે એવા પ્રત્યત્નો કરતી હોય છે એમ જણાવતાં FDAના જૉઇન્ટ કમિશનર શૈલેશ આઢવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયપુરમાં ઘીમાં ભેળસેળ મળ્યા બાદ અમારા અધિકારીઓને પણ ઘી તૈયાર કરતી કંપનીઓમાં તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. એ સાથે તેઓ નાનીમોટી દુકાનોમાં જઈને પણ ઘીની ગુણવત્તા તપાસશે. જો કોઈ જગ્યાએ ભેળસેળ મળી આવશે તો એ દુકાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.’