દહિસરમાં ટ્રાયલ-રન દરમ્યાન મેટ્રો ખોટકાઈ: ‘મામૂલી ખામી’ને લીધે મુસાફરોને ભારે હેરાનગતિ
ઓવરીપાડા સ્ટેશન નજીક ખોટકાયેલી મેટ્રોનું સમારકામ કરતા અધિકારીઓ. તસવીર : સતેજ શિંદે
દહિસર-ઈસ્ટથી મીરા-ભાઈંદર વચ્ચે દોડનારી મેટ્રો 9ની ટ્રાયલ-રન દરમ્યાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ઓવરીપાડા સ્ટેશન નજીક મેટ્રો ખોરવાતાં દહિસર-ઈસ્ટથી અંધેરી-વેસ્ટ વચ્ચે ચાલતી મેટ્રો 7 અને દહિસર-ઈસ્ટથી ગુંદવલી જતી મેટ્રો 2Aના મુસાફરોને અગવડ પડી હતી. અટવાયેલી મેટ્રોના સમારકામ સમયે આરે અને ઓવરીપાડા સ્ટેશન વચ્ચે મેટ્રો સિંગલ લાઇન પર ચલાવવામાં આવી હતી જેને કારણે મેટ્રો મોડી પડી હતી. જોકે મુસાફરોને કનેક્ટિવિટી મળી રહે એ માટે ગુંદવલી અને આરે સ્ટેશન વચ્ચે શૉર્ટ લૂપ સર્વિસ પણ ચાલુ કરી દેવાઈ હતી.
મેટ્રો ખોટકાઈ જવાના કિસ્સામાં ઊંડી તપાસ કરતાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે સવારે પાંચ વાગ્યાની આસપાસ મેટ્રો ટ્રેન પાટા પરથી ખસી જવાને લીધે ખોટકાઈ ગઈ હતી. જોકે આ બાબતની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નહોતી, પણ આ ઘટનાને લીધે રોજિંદી મેટ્રો ટ્રેનોને ફટકો પડતાં સાંજ સુધી સર્વિસ ખોરવાયેલી રહી હતી. કેટલાય મુસાફરોએ ફરિયાદ કરી હતી કે ટ્રેનો ખૂબ મોડી ચાલી રહી હતી અને મેટ્રો સ્ટાફને પણ એ વિશે કશી જ માહિતી નહોતી. અનેક મુસાફરોએ કહ્યું હતું કે આ ટેક્નિકલ ખામી નહીં, ડીરેલમેન્ટની ઘટના વધારે લાગે છે.


