બાળહૃદયના સુસંસ્કરણની પ્રેરણા આપતી અદ્ભુત નાટિકાથી આજની મૉડર્ન માતાને સુયોગ્ય માતા બનવાનો બોધપાઠ આપ્યો : જરૂરિયાતમંદોને એક લાખ મિષ્ટ લાડુના વિતરણ સાથે પ્રભુ જન્મોત્સવનું માધુર્ય પ્રસરાયું
જય હો મહાવીર
વર્ધમાનનું નામ લઈને થતા કોઈ પણ પ્રારંભમાં બધું જ વર્ધમાન વર્ધમાન થાય.
- નમ્રમુનિ
ADVERTISEMENT
ભવિષ્યમાં પ્રભુ પરિવારમાં જન્મ પામવાનું સૌભાગ્ય સર્જાઈ જાય એવા ભાવથી પ્રભુનો જન્મોત્સવ ઊજવવાની પાવન પ્રેરણા પ્રસારીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં પરમધામની પાવન ધરા પર પ્રત્યક્ષ પ્રભુ પધાર્યાની અનુભૂતિ કરાવીને અત્યંત ભક્તિભાવથી ભવ્યતા અને દિવ્યતાનું સર્જન કરીને ઊજવાયો હતો ભગવાન મહાવીર જન્મોત્સવ.
હજારો ભાવિકોને લીન-તલ્લીન-લયલીન કરાવી દેનારી ‘પ્રભુ મહાવીર’ નામની મધુર ધૂન સાથે પ્રભુ વીરને નયનપટલની સમક્ષ લાવી દેનારાં પ્રેરક વચનો વહાવતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું કે ‘વર્ધમાનનું નામ માત્ર અત્ર તત્ર સર્વત્ર સમૃદ્ધિને, વિચારોને અને ભાવોને વર્ધમાન વર્ધમાન કરાવી દે છે. મહાપુણ્યવાન એવા વર્ધમાન પ્રભુના હાથ કદી બંધાયેલા નહોતા. વર્ધમાન તો હંમેશાં આપનારા હતા, વરસીદાન પણ આપે અને જ્ઞાનદાન પણ આપે. વર્ધમાન તો સર્વત્ર આત્માનો પ્રકાશ પ્રસરાવનારા હતા.’
એ સાથે જ આ અવસરે આજના યુગની માતાઓને એક સંસ્કારી માતા બનવાનો સંદેશ આપતાં પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે ‘મહાવીર જેવા સંતાનને જન્મ આપવા માટે ત્રિશલામાતા જેવાં ગુણવાન અને સંસ્કારી બનીએ. દરેક માતાએ ત્રિશલા બનીને પોતાના સંતાનનું ઘડતર કરીને મહાવીરનું સર્જન કરવું જોઈએ, કેમ કે એક મહાવીરના સર્જનમાં પરમાત્માની નહીં, પણ ત્રિશલા જેવાં માતાની જરૂર પડે છે.’
યોગ્ય માતાના સંસ્કરણની પરમ ગુરુદેવની આવી પ્રેરણા સાથે જ આ અવસરે બાળહૃદયનું સુસંસ્કરણ કરીને સંતાનના ભવિષ્યને ભવ્યતા, ઉજ્જ્વળતા અને ભગવંતતા તરફ દોરી જવાની પ્રેરણા આપતી અદ્ભુત નાટિકાથી આ યુગની હજારો માતાઓની બંધ આંખોને જાગ્રત કરી દીધી હતી.
વિશેષમાં ૨૬૦૦ વર્ષ પહેલાંની ક્ષત્રિય કુંડ નગરી અને રાજા સિદ્ધાર્થના રાજમહેલમાં ત્રિશલાદેવીના કક્ષની જીવંત અનુભૂતિ કરાવતાં દિવ્ય દૃશ્યો સર્જાયાં હતાં, જ્યારે માતા ત્રિશલાદેવીને આવેલાં ૧૪ મહાસ્વપ્નની રજવાડી વણજારનાં દિવ્ય દર્શન કરાવવામાં આવ્યાં હતાં.
એ સાથે જ એ ધન્ય ક્ષણ સર્જાઈ હતી જ્યારે પ્રભુપ્રેમમાં તરબોળ બનેલા ભાવિકોની ઘેલી-ઘેલી નૃત્ય-ભક્તિ-કીર્તના અને મધુર સ્તવનાના સૂરોની સાથે પ્રભુ મહાવીર જન્મોત્સવનાં વધામણાં લેવામાં આવ્યાં હતાં. ‘વીર ઝૂલે ત્રિશલા ઝુલાવે’ના ભાવ સાથે પારણિયે ઝૂલતા બાળમહાવીરને ઝુલાવતાં-ઝુલાવતાં અપાર આનંદ અને પ્રત્યક્ષ ત્રણલોકના નાથને વહાલ કરવાની અનુભૂતિ કરાવતો આ જન્મોત્સવ પ્રભુનો વ્હાલોત્સવ બની ગયો હતો.
પ્રભુ મહાવીર જન્મોત્સવના આનંદ અને માધુર્યને પ્રસરાવતાં સમગ્ર ભારતનાં અનેક ક્ષેત્રોમાં હજારો જરૂરિયાતમંદ ભાવિકોને અર્હમ યુવા સેવા ગ્રુપના માધ્યમથી એક લાખથી વધુ બુંદીના લાડુ અર્પણ કરવામાં આવતાં ચારેકોર આનંદ વર્તાયો હતો. પરમધામના અણુ-અણુમાં પ્રસરેલા ‘ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી’ના ગુંજારવ, ઘટ-ઘટમાં વ્યાપેલાં ૧૪ મહાસ્વપ્નની દિવ્યતાના દીદાર, પ્રભુ જન્મોત્સવનાં વધામણાંની એ અલૌકિક અનુભૂતિ અને પ્રભુપ્રેમના અમીરસ ઝરણાં વહાવીને વિરામ પામેલા આ અવસર બાદ આજે ૬ સપ્ટેમ્બરે શુક્રવારે પર્વાધિરાજ પર્વના છઠ્ઠા દિવસે યુવાનો માટે ફરીને ઇંગ્લિશમાં એક નવો બોધ ફરમાવશે. પરમ ગુરુદેવ સવારે ૭.૦૦ વાગ્યે આત્મા પર લાગેલો એક ઑર દોષ ધોવાશે. ઇનર ક્લીનિંગ ધ્યાન સાધનામાં સવારે ૮.૦૦ વાગ્યે, ફરીને ગુંજી રહેશે પ્રભુનામ સ્મરણની ધૂન ૮.૩૦ વાગ્યે અને ફરીને ‘તૂ હૈ તો’ પ્રવચન સિરીઝના ‘તૂ હૈ તો, દોષોં કી વિશુદ્ધિ હૈ’ વિષય પર અમૂલ્ય વચનોનાં બોધ-વચનો પ્રગટાવશે પરમ ગુરુદેવ ૯.૦૦ કલાકે ફરીને એક નવો પ્રયોગ, પાપથી બચવા માટેનો, ફરીને એક નવું દૃશ્યાંકન સત્યની પ્રતીતિનો, ફરીને એક નવી પ્રેરણા, નવી દિશાની પ્રાપ્તિ થશે પરમધામ, વાલ્કસ વિલેજ, તાલુકો-કલ્યાણ, જિલ્લો-થાણે, મહારાષ્ટ્ર ખાતે. સર્વ ધર્મપ્રેમી ભાવિકો અવશ્ય પધારશો, ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.