કાંદિવલીમાં રહેતાં જ્યોત્સ્ના મહેતાને પહેલાં બ્રેસ્ટ-કૅન્સર થયું અને ઑપરેશન કરવું પડ્યું. ત્યાર બાદ બાયપાસનું ઑપરેશન કર્યું. પછી અન્નનળીનું કૅન્સર થયું. બે વર્ષ પહેલાં નવ વખત અને તાજેતરમાં ૧૮ વખત કીમોથેરપી લીધી અને એના થોડા દિવસમાં જ સિદ્ધિતપ કર્યું

જ્યોત્સ્ના મહેતા અને તેમનો દીકરો
પર્યુષણ પર્વમાં કાંદિવલીનાં ૭૯ વર્ષનાં બા કંઈક અવિશ્વસનીય ધાર્મિક પ્રવૃત્તિ કરી રહ્યાં છે. કૅન્સર જેવી બીમારીનું નામ સાંભળીને જ આપણે આત્મવિશ્વાસ ગુમાવી બેસતા હોઈએ છીએ. કીમોથેરપી વખતે થતી પીડા અને વાળ ગુમાવવા જેવા અનેક શારીરિક બદલવાને કારણે અનેક લોકો હિંમત હારી બેસે છે ત્યારે આ ૭૯ વર્ષનાં જ્યોત્સ્ના વિનોદ મહેતા નામનાં બા કીમોથેરપી લીધાના ફક્ત ૧૫થી ૨૦ દિવસ બાદ જ જૈનોના કઠિન તપ પૈકી સિદ્ધિતપ કરી રહ્યાં છે. તેમને સાથ આપવા તેમનો દીકરો પણ તેમની સાથે સિદ્ધિતપ કરી રહ્યો છે. તેમની આ હિંમત તથા ધર્મ અને ભગવાન પ્રત્યેની આસ્થા જોઈને સાધુ-ભગવંતો પણ નવાઈ પામ્યા છે.
કાંદિવલી-વેસ્ટમાં આવેલા ઝાલાવાડનગરની હાર્મની સોસાયટીમાં રહેતાં દેરાવાસી જૈન સમાજનાં ૭૯ વર્ષનાં જ્યોત્સ્ના મહેતા તેમના દીકરા જયદીપ અને પરિવાર સાથે રહે છે. બાની હિંમતને દાદ આપવી પડે એ રીતે તેઓ તમામ પીડાને પડખે મૂકી આ ઉંમરે સિદ્ધિતપ જેવું અઘરું તપ કરી રહ્યાં છે. અમે લોકો તો ના જ પાડી રહ્યા હતા છતાં તેમણે ઇચ્છાશક્તિ બતાવી એમ કહેતાં ઘાટકોપરમાં રહેતાં જ્યોત્સ્નાબહેનનાં ભાભી જયશ્રી શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જયોત્સ્નાબહેન મારાં નણંદ છે. તેઓ અનેક પીડામાંથી પસાર થયાં છે એટલે આ તપની તેમણે વાત કરી ત્યારે અમે તેમને સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમને એક વખત નહીં, બે વખત અલગ-અલગ કૅન્સર ડિટેક્ટ થયું હતું. થોડાં વર્ષ પહેલાં તેમને બ્રેસ્ટ-કૅન્સર નિદાન થયું હતું. એ વખતે તેમણે ખૂબ પીડા સહન કરી હતી અને ઑપરેશન કરવું પડ્યું હતું. ત્યાર બાદ તબિયત ખરાબ થઈ અને બાયપાસનું ઑપરેશન કર્યું હતું. ત્યાર બાદ હવે અન્નનળીનું કૅન્સર ડિટેક્ટ થયું હતું. એથી બે વર્ષ પહેલાં નવ વખત કીમોથેરપી લીધી હતી. ત્યાર બાદ હાલમાં ૧૮ વખત કીમોથેરપી લીધી છે. ૧૫થી ૨૦ દિવસ બાદ તેમણે સિદ્ધિતપ કરવાનો નિર્ણય લીધો હતો.’
જયશ્રીબહેને કહ્યું હતું કે ‘સિદ્ધિતપના ઉપવાસ કેટલા અઘરા હોય છે એ આપણે જાણીએ છીએ. આ તપમાં પહેલાં એક ઉપવાસ બેસણું, ત્યાર બાદ બે ઉપવાસ બેસણું, ત્રણ ઉપવાસ બેસણું એમ અંતે આઠ ઉપવાસ બેસણું કરવાનું હોય છે. તેઓ ઉપવાસ તો કરે જ છે, પણ એની સાથે સવારે વહેલા ઊઠીને સવારની પૂજા અને ક્રિયા અને સાંજે પ્રતિક્રમણ વગેરે સમયસર અચૂક કરે છે તેમ જ દરરોજ ચાલીને ઘર પાસે આવેલા દેરાસર, ઉપાશ્રયમાં જાય છે. તેમની આટલી હિંમત જોઈને અમને માટે તો આ ભગવાનનો ચમત્કાર લાગે છે. તેમનો દીકરો જયદીપ પણ તેમની સાથે જોડીએ સિદ્ધિતપ કરી રહ્યો છે. ૪૪ દિવસમાં ૩૬ ઉપવાસ અને આઠ દિવસ બેસણું એવા આ સિદ્ધિતપનો મંગળવારે છેલ્લો દિવસ છે.’
જ્યોત્સ્નાબહેનના દીકરા જયદીપ મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મમ્મી ખૂબ પૉઝિટિવ સ્વભાવ રાખે છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરે છે. હું પણ મમ્મી સાથે તપ કરી રહ્યો છું અને સંઘમાં તપનાં પારણાં પણ છે. હું કે મારો પરિવાર જ નહીં, સંઘ પણ ખૂબ ગર્વ અનુભવી રહ્યો છે. કૅન્સર કે બાયપાસ પછી લોકો થોડા ઢીલા પડી જતા હોય છે.’