બાળકીનું અપહરણ કરનારી ૩૫ વર્ષની રોશની વાગેશ્રી પનવેલ સ્ટેશનની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં જ રહે છે. તેણે બાળકીનું અપહરણ શા માટે કર્યું એની તપાસ પોલીસ ચલાવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
પનવેલ સ્ટેશનની બહાર ફુટપાથ પર રહેતા પરિવારની માત્ર સાડાત્રણ મહિનાની બાળકીને શુક્રવારે બપોરે ૩થી ૩.૩૦ વચ્ચે કોઈ ઉપાડી ગયું હતું. આ બાબતે તેના પરિવારે પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી બાળકીને ૨૪ કલાકની અંદર જ પાછી મેળવી તેના પરિવારને સોંપી હતી.
પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં જેમાં એક મહિલા એ બાળકીને ઉપાડીને લઈ જતી જોવા મળી હતી. એ મહિલા ત્યાર બાદ પુણે જતી ટ્રેનમાં બેસી હતી. એથી તેને ઝડપી લેવા પનવેલ પોલીસે પાંચ ટીમ બનાવી હતી. આ પોલીસ ટીમ કર્જત, લોનાવલા, દૌંડ અને પુણેના અલગ-અલગ વિસ્તારોમાં ગઈ હતી. એ પછી ખબર મળી કે બાળકીને લઈ ગયેલી મહિલા પનવેલ પાછી ફરી છે. એથી ફરી ઝીણવટભરી તપાસ કરી આખરે તે મહિલાને કળંબોલી ફાયર-સ્ટેશન પાસેથી બાળકી સાથે ઝડપી લેવાઈ હતી. બાળકીનું અપહરણ કરનારી ૩૫ વર્ષની રોશની વાગેશ્રી પનવેલ સ્ટેશનની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં જ રહે છે. તેણે બાળકીનું અપહરણ શા માટે કર્યું એની તપાસ પોલીસ ચલાવી રહી છે.


