સેન્ટ્રલ રેલવેનું કહેવું છે કે સ્ટેશનો પરનાં ૯૦ ટકા એસ્કેલેટર મોટા ભાગના દિવસોમાં કામ નથી કરતાં, કારણ કે અજાણતાં કે મસ્તી ખાતર એનું હાથવગું ઇમર્જન્સીનું બટન દબાવી દેવામાં આવે છે : મધ્ય રેલવે હવે એનો નવો વિકલ્પ વિચારી રહી છે

મુંબઈમાં ૧૫૦થી વધારે એસ્કેલેટર અત્યારે બંધ પડ્યાં છે (પ્રતીકાત્મક તસવીર)
સેન્ટ્રલ રેલવેના તાજેતરના અભ્યાસમાં રજૂ થયું છે કે શહેરનાં રેલવે સ્ટેશનો પરનાં ૯૦ ટકા એસ્કેલેટર મોટા ભાગના દિવસોમાં કામ કરવાનું બંધ કરી દે છે, કારણ કે મુસાફરો પૅનિક / ઇમર્જન્સી બટન દબાવી દેતા હોય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે મધ્ય રેલવે એક નવા મેકૅનિઝમ પર કામ કરી રહી છે.
સેન્ટ્રલ રેલવેના મુંબઈના ડિવિઝન રેલવે મૅનેજર રજનીશ ગોયલે જણાવ્યું હતું કે ‘અમે એસ્કેલેટરનો અભ્યાસ કરી રહ્યા છીએ અને અમને લગભગ ૯૦ ટકા કેસમાં આ સમસ્યા જોવા મળી રહી છે. કોઈ પ્રવાસી અજાણતાં કે મનોરંજન માટે ઇમર્જન્સી પૅનિક બટન દબાવી દે છે ત્યારે એસ્કેલેટર બંધ થઈ જાય છે. એસ્કેલેટરની નીચે આવેલી ટેક્નિકલ કૅબિનથી એને ફરી શરૂ કરી શકાય છે. આ પ્રક્રિયા થોડી લાંબી છે. એસ્કેલેટરને પુનઃ શરૂ કરવા ટેક્નિશિયને બોલાવવો પડે છે. અમે આ સમસ્યા ટાળવા એક નવી કાર્યપદ્ધતિ તૈયાર કરી રહ્યા છીએ અને જલદી એને ઉપયોગમાં લઈશું.’
સૂત્રોએ જણાવ્યું હતું કે ઇમર્જન્સી બટનને રેલિંગની બાજુમાં રખાયું છે જેથી કટોકટીની સ્થિતિમાં એસ્કેલેટરને અટકાવી શકાય, પરંતુ મોટા ભાગે એનો દુરુપયોગ કરવામાં આવે છે.
રજનીશ ગોયલે ધ્યાન દોર્યું હતું કે ‘એક મામલામાં અમે જોયું કે કેટલાક વરિષ્ઠ નાગરિકો અથવા જેમણે અગાઉ એસ્કેલેટરનો ઉપયોગ કર્યો નથી એવી વ્યક્તિએ પહેલાં સ્ટૉપનું બટન દબાવ્યું અને બાદમાં તેઓ ઉપર ચડ્યા, પરંતુ એસ્કેલેટરને આ જ રીતે રી-સ્ટાર્ટ નથી કરી શકાતું.’
કેટલાંક સ્ટેશનો પર પૅનિક બટન એસ્કેલેટરની શરૂઆતમાં જ છે. અન્ય જગ્યાએ ઉપર, પગ પાસે - તળિયે એમની ફિક્સ જગ્યા છે. એક સૂત્રે જણાવ્યું હતું કે આ પૉઇન્ટ પર અસમાજિક તત્ત્વો મજાકના ઇરાદાથી પૅનિક બટન સાથે છેડછાડ કરી શકે છે.
ઉપલબ્ધ વિગતો મુજબ સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ૧૫૦ એસ્કેલેટર છે અને મુલુંડ, વિક્રોલી, દિવા તથા મુંબ્રા જેવાં સ્ટેશનો પર એસ્કેલેટર મૂકાવાનું આયોજન કરાયું છે.