કર્મચારીના મોતની ઘટના છુપાવવા હૉલનો માલિક તેના મૃતદેહને વસઈના ગોખીવરે લઈ ગયો અને ત્યાં મૂકી દીધો
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારામાં આવેલા શાદીડૉટકૉમ હૉલમાં કર્મચારીના મોતનો ભેદ તુલિંજ પોલીસે ઉકેલી નાખ્યો છે. કર્મચારીનું મૃત્યુ ૬ સપ્ટેમ્બરે હૉલમાં થયું હતું, પરંતુ માલિક આ ઘટના છુપાવવા માટે મૃતદેહને વસઈના ગોખીવરે લઈ ગયો હતો અને ત્યાં મૂકી દીધો હતો. આ પ્રકરણે તપાસ હાથ ધરીને અંતે તુલિંજ પોલીસે હૉલના માલિક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
વસઈ-ઈસ્ટના ગોખીવરે ખાતે ગણેશોત્સવ મંડપનું પર કામ કરતી વખતે ૪૨ વર્ષના સત્યેન્દ્ર મિશ્રાનું ઇલેક્ટ્રિક શૉકને કારણે મૃત્યુ થયું હોવાની મંડપના કૉન્ટ્રૅક્ટર પ્રદીપ સિંહે માહિતી આપી હતી. એ મુજબ આચોલે પોલીસે પંચનામું કરીને ડેડ-બૉડીને અગ્નિસંસ્કાર માટે તે વ્યક્તિના ગામ મોકલી આપી હતી. જોકે થોડા દિવસ બાદ તુલિંજ પોલીસને માહિતી મળી કે સત્યેન્દ્ર મિશ્રાનું મોત ગણેશોત્સવ મંડપમાં નહીં, પરંતુ નાલાસોપારા-ઈસ્ટમાં શાદીડૉટકૉમ હૉલમાં થયું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે જે જગ્યાએ કૉન્ટ્રૅક્ટરે દાવો કર્યો હતો કે ગોખીવરેમાં આ ઘટના બની હતી ત્યાં આવી કોઈ ઘટના બની નહોતી.
ADVERTISEMENT
એ પછી પોલીસે આ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં તો જાણવા મળ્યું કે સત્યેન્દ્ર મિશ્રાના મૃતદેહને ઑડિટોરિયમની બહાર લઈ જવામાં આવી રહ્યો હતો. માલિક પ્રદીપ સિંહે આ ઘટનાને દબાવી દીધી હોવાનું સ્પષ્ટ થયા પછી તુલિંજ પોલીસે કલમ ૩૦૪ (એ) હેઠળ બેદરકારીથી મૃત્યુ માટે અને કલમ ૨૦૧, ૩૪ હેઠળ હૉલનાં માલિક શોભના સિંહ અને પ્રદીપ સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ વિશે તુલિંજ પોલીસ સ્ટેશનના અધિકારી મિથુન મ્હાત્રેએ માહિતી આપી હતી કે ‘અમે મહાવિતરણ અને સાર્વજનિક બાંધકામ વિભાગને પૂછપરછ કરીને પંચનામું કર્યું ત્યારે સ્પષ્ટ થયું કે કર્મચારીનું મૃત્યુ હૉલમાં જ થયું છે. મહાવિતરણ દ્વારા વસઈના આ હૉલમાં ગેરકાયદે અને જોખમી રીતે નાળિયેરના ઝાડના ફળિયામાં અસુરક્ષિત કમર્શિયલ થ્રી-ફેઝ કનેક્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.’
પ્રહાર જનશક્તિ પાર્ટીના નાલાસોપારા શહેર યુવા સંઘટક ચંદુ પાટીલે આ હૉલને લેખિત પત્ર મોકલ્યો હતો કે આ હૉલમાં આપવામાં આવેલું વીજ-કનેક્શન ગેરકાયદે અને અસુરક્ષિત છે અને જો એનું જોડાણ નહીં કાપવામાં આવે તો ભવિષ્યમાં દુર્ઘટના બની શકે છે.

