પાર્થ પવારની કંપનીએ ૧૮૦૪ કરોડ રૂપિયાની જમીન ૩૦૦ કરોડમાં પડાવી હોવાનો વિરોધ પક્ષનો આક્ષેપ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો તપાસનો આદેશ
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વડા અજિત પવાર અને તેમનો દીકરો પાર્થ પવાર
કરોડો રૂપિયાના આ વ્યવહારની સ્ટૅમ્પ-ડ્યુટી તરીકે ભરવામાં આવ્યા માત્ર ૫૦૦ રૂપિયા ફક્ત એક લાખ રૂપિયાની કૅપિટલ ધરાવતી કંપની આટલો મોટો જમીનખરીદીનો વ્યવહાર કઈ
રીતે કરી શકે? એવો સવાલ કોઈ ખાસ અનુભવ ન ધરાવતી પાર્થ પવારની કંપનીએ જગ્યામાં IT પાર્ક અને ડેટા સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો જે સરકારે કેવી રીતે સ્વીકારી લીધો એવો પણ પ્રશ્ન
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વડા અજિત પવાર હાલ તેમના દીકરા પાર્થ પવારની કંપની દ્વારા કરાયેલી જમીનખરીદીના એક પ્રકરણમાં વિરોધીઓની ટીકાનો સામનો કરી રહ્યા છે. વિરોધીઓ દ્વારા તેમનું રાજીનામું માગવામાં આવ્યું છે. પુણેના વૈભવી વિસ્તાર ગણાતા કોરેગાંવ પાર્કમાંની ૪૦ એકર જમીન જેની માર્કેટરેટ અનુસાર કિંમત ૧૮૦૪ કરોડ રૂપિયા થાય છે એ જમીન પાર્થ પવારની કંપની અમિડિયા હોલ્ડિંગ્સ LLPને માત્ર ૩૦૦ કરોડમાં વેચી દેવામાં આવી છે એવો આરોપ થઈ રહ્યો છે. મહત્ત્વનું એ છે કે એ ખરીદી-વ્યવહાર થયાના બે જ દિવસમાં એના પરની સ્ટૅમ્પ-ડ્યુટી માફ કરવાનો આદેશ પણ કાઢવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના આ વ્યવહાર માટે ફક્ત ૫૦૦ રૂપિયા જ સ્ટૅમ્પ-ડ્યુટી ભરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વ્યવહાર માટે સરકારી નિયમો નેવે મુકાયા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષે કર્યો હતો. આ કેસમાં તહસીલદાર સહિત બે સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે એટલું જ નહીં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ સંદર્ભે તપાસનો પણ આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
શિવસેના (UBT)ના વિધાનસભ્ય અંબાદાસ દાનવેએ આ બાબતે આક્ષેપ કરીને ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘૧૮૦૦ કરોડ રૂપિયાની જમીન, ૩૦૦ કરોડમાં ખરીદી અને સ્ટૅમ્પ-ડ્યુટી ભરી માત્ર ૫૦૦ રૂપિયા. નાયબ મુખ્ય પ્રધાનના સુપુત્ર પાર્થ પવારની કંપનીની કૅપિટલ છે ફક્ત એક લાખ રૂપિયા અને એ કંપની ૧૮૦૦ કરોડ રૂપિયાની જમીન ૩૦૦ કરોડમાં ખરીદી શકી. આ કઈ રીતે શક્ય બન્યું એ અજિત પવાર અને પાર્થ પવારે મહારાષ્ટ્રને કહેવું જોઈએ. પાર્થની કંપની અમિડિયા હોલ્ડિંગ્સ જેની કૅપિટલ માત્ર એક લાખ રૂપિયા છે એણે બાવીસ એપ્રિલે સરકારમાં પુણેના કોરેગાંવ પાર્કમાં IT પાર્ક અને ડેટા સેન્ટર બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને ૪૮ કલાકમાં જ ડિરેક્ટરેટ ઑફ ઇન્ડસ્ટ્રીઝે એના પરની સ્ટૅમ્પ-ડ્યુટી માફ કરી દીધી. તેમણે આ કંપનીનો કયો અનુભવ જોઈને સ્ટૅમ્પ-ડ્યુટી માફ કરી? માત્ર ૨૭ દિવસમાં આ આખો વ્યવહાર પતાવી દેવામાં આવ્યો. એક બાજુ અજિત પવાર ખેડૂતોને લાખ-દોઢ લાખ રૂપિયા આપવા સામે તેમને બધું મફતમાં જોઈએ છે એમ કહીને એ આપવાનો નનૈયો ભણે છે અને બીજી બાજુ તેમના છોકરાને બધું મફતમાં (૧૮૦૦ કરોડની જમીન ૩૦૦ કરોડમાં અને સ્ટૅમ્પ-ડ્યુટી) માફ જોઈએ છે એ કઈ રીતે ચાલે?’
વળી આ જે જમીનનો વ્યવહાર થયો છે એ જમીન મહાર વતનની જમીન છે. બ્રિટિશકાળમાં જ્યારે મહાર સામાજના લોકો ગામના લોકોનું એક વિશિષ્ટ કામ કરતા હતા ત્યારે એના બદલામાં તેમને બ્રિટિશ સરકાર જમીન આપતી જે વારસાગત તેમની પાસે જ રહેતી. ઉપરોક્ત કેસમાં આ જમીનનો વ્યવહાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ વ્યવહારને લઈને ઊઠેલો વિવાદ જોઈને પુણેના તહસીલદાર સૂર્યકાંત યેવલે અને હવેલી-ક્રમાંક ૩ના ડેપ્યુટી રજિસ્ટ્રાર રવીન્દ્ર તારુને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઍડિશનલ ચીફ સેક્રેટરી વિકાસ ખરગેની અધ્યક્ષતા હેઠળ આ પ્રકરણની તપાસ કરવા એક કમિટી પણ બનાવવામાં આવી છે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને આ કેસની ઝીણવટભરી તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
પુણેના સસ્પેન્ડ કરાયેલા તહસીલદાર સૂર્યકાંત યેવલેએ તેમની આ પ્રકરણમાં સંડોવણી હોવાના આક્ષેપો ફગાવી દેતાં કહ્યું હતું કે ‘મેં વ્યવહાર કર્યો નથી. મને એ વિશે કંઈ જ ખબર નથી. અમારા તરફથી પરવાનગી આપવામાં આવી નથી. મહાર વતનની એ જમીન હતી. એનો શું વ્યવહાર થયો એની જાણ ડેપ્યુટી રજિસ્ટ્રારને છે. અમારી પાસે એે ફાઇલ આવી જ નથી.’
ચમકારા
બાવધન પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી.
વતનની વારસાઈની જમીન ખરીદી શકાતી નથી. જો ખરીદવી હોય તો એ માટે સરકારની પરવાનગી લેવી પડે છે.
સ્ટૅમ્પ-ડ્યુટી માફ કરવા IT પૅલિસીનો લાભ આપવામાં આવ્યો એવો આક્ષેપ.
અમિડિયા કંપનીને હવે રજિસ્ટ્રેશન ઍન્ડ સ્ટૅમ્પ્સ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી.
બે ટકા પ્રમાણે કંપનીને ૬ કરોડ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી તરીકે ભરવા કહેવાયું.
પુણેમાં પાર્થ પવારના આ જમીન-પ્રકરણ બાબતે શિવસેના (UBT)નું વિરોધ-પ્રદર્શન.
ઍક્ટિવિસ્ટ અંજલિ દમણિયા આ બાબતે મહેસૂલ મંત્રાલયને મંગળવારે લેખિતમાં ફરિયાદ કરશે.
અજિત પવારે હાથ ખંખેેર્યા : મારો એ બાબત સાથે દૂરનો પણ સંબંધ નથી
હાલ અલગ-અલગ ટીવી-ચૅનલો પર જે દેખાડવામાં આવી રહ્યું છે એ બાબતની પૂરી માહિતી મને નથી. મને કંઈ જ ખબર નથી. મારો એ બાબત સાથે ડાયરેક્ટ અજિત પવાર તરીકે દૂરથી પણ સંબંધ નથી. મને ૩૫ વર્ષથી મહારાષ્ટ્રની જનતા ઓળખે છે એથી મેં આ વિશે પૂરી માહિતી મેળવવાનું નક્કી કર્યું છે. ત્રણ-ચાર મહિના પહેલાં આવું કંઈ ચાલી રહ્યું હોવાની વાત સાંભળવા મળી હતી. એ વખતે મેં કહ્યું હતું કે હું કંઈ પણ ખોટું ચલાવી નહીં લઉં. આવી ખોટી બાબતો કોઈએ પણ કરવી નહીં એવી સ્પષ્ટ સૂચનાઓ મેં આપી હતી. એ પછી શું થયું એની મને ખબર નથી. અલગ-અલગ ચૅનલોમાં જમીન બાબતે ઘણુંબધું કહેવાઈ રહ્યું છે એથી એની ટોટલ માહિતી, શું ડૉક્યુમેન્ટ છે, શું નથી, કોણે પરવાનગી આપી, કોણે ન આપી એ મેળવીશ. મેં અત્યાર સુધી મારા કોઈ પણ નજીકના કે દૂરના સંબંધીઓને ફાયદો થાય એ માટે કોઈ પણ અધિકારીને ક્યારેય ફોન કર્યો નથી કે કદી કોઈને કહ્યું નથી. ઊલટું હવે આ નિમિત્તે હું અધિકારીઓ અને કર્મચારીઓને કહીશ કે જો કોઈ મારા નામનો ઉપયોગ કરીને ખોટું કરતું હોય અથવા નિયમ ચાતરીને કરતું હોય તો તેને મારો કોઈ સપોર્ટ નહીં હોય. હું કાયદાની, નિયમોની હદમાં રહીને કામ કરનારો કાર્યકર છું એની તમને બધાને ખબર છે. મને એવું જાણવા મળ્યું કે આ બાબતે મુખ્ય પ્રધાને તપાસનો આદેશ આપ્યો છે. જરૂર મુખ્ય પ્રધાને એની તપાસ કરવી જોઈએ, એ તેમનો અધિકાર છે. જો કોઈ પણ બાબતે ફરિયાદ થાય તો તપાસ કરીને એની સત્યતા ચકાસવી અને એ પ્રકરણમાં ખરેખર શું થયું છે એ જોવું એ સરકારનું કામ જ છે. આજે હું મીટિંગોમાં હતો એથી ઉપરોક્ત પ્રકરણમાં માહિતી લઈ શક્યો નથી. હવે પૂરી માહિતી કઢાવીશ કે એમાં શું થયું? કઈ રીતે થયું? ડૉક્યુમેન્ટસ શું અપાયા? એ બરાબર હતા કે નહીં? એ નિયમોમાં બેસે છે કે નહીં? આ બધી જ માહિતી લીધા પછી તમને એ બાબતની વસ્તુસ્થિતિ કહી શકીશ. બધાએ દરેક બાબતમાં નિયમ અનુસાર જ કામ કરવું જોઈએ એ મતનો હું છું. હું ક્યારેય ખોટી બાબતોનું સમર્થન કરતો નથી. જો મારાથી ભૂલ થઈ હોય તો એ કબૂલ પણ કરું છું અને પછી એ ભૂલ સુધારી લેતો હોઉં છું. આ પ્રકરણ સાથે મારો દૂરનો પણ સંબંધ નથી. મેં કોઈની સાથે ચર્ચા પણ કરી નથી. હાલના જમાનામાં છોકરાઓ મોટા થાય, ઍડલ્ટ થાય એટલે તેઓ પોતાની રીતે ધંધોપાણી કરતા હોય છે. હું ફરી-ફરીને કહું છું કે આ બાબત સાથે મારે કંઈ જ લાગતુંવળગતું નથી. મેં કોઈ અધિકારીને મદદ કરવા પણ કહ્યું નથી. હું બંધારણને માનનારો, કાયદાથી ચાલનારો અને બીજાઓ પણ કાયદાથી જ ચાલે એવો પ્રયાસ કરનારો, કાયદાની હદમાં રહીને કામ કરો એ સમજાવનારો કાર્યકર્તા છું.
આ વ્યવહારની બધી જ વિગતો મગાવાઈ છે : દેવેન્દ્ર ફડણવીસ
આ કેસ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મેં આ પ્રકરણની બધી જ માહિતી મગાવી છે. મહેસૂલ વિભાગ, ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR) ડિપાર્ટમેન્ટ, લૅન્ડ રેકૉર્ડ્સ વિશેની માહિતીઓ મગાવવામાં આવી છે. આ સંદર્ભે યોગ્ય તપાસ કરવાનો આદેશ પણ મેં આપ્યો છે. પ્રાથમિક તપાસ થયા પછી જ એ વિશે કંઈ બોલી શકાશે. હાલ મારી પાસે પૂરતી વિગતો આવી નથી. પ્રાથમિક સ્તરે જે મુદ્દા આવી રહ્યા છે એ ગંભીર છે. એથી આ બાબતે યોગ્ય માહિતી લીધા પછી જ કંઈ બોલી શકાશે. મારી પાસે માહિતી આવ્યા બાદ સરકાર આ બાબતે શું પગલાં લેશે એ કહી શકાશે.’
ફરિયાદ મળ્યા બાદ તપાસ કરાવડાવીશું : ચંદ્રકાંત બાવનકુળે, મહેસૂલપ્રધાન
આ બાબતે અંજલિ દમણિયા અમને લેખિતમાં ફરિયાદ કરવાનાં છે. એ પછી અમે અધિકારીઓની હિયરિંગ લઈશું. તપાસ કરીશ અને જો પ્રાથમિક તપાસમાં
મહાર વતનની જમીનમાં કંઈ ગરબડ કરી હશે તો મારે એ જોવું પડશે. મારી પાસે
ફરિયાદ આવશે એટલે હું એની તપાસ કરીશ.
સ્ટૅમ્પ-ડ્યુટીમાં ફાયદો ડેટા સેન્ટરને આપવામાં આવતો હોય છે : ઉદય સામંત, ઉદ્યોગપ્રધાન
સ્ટૅમ્પ-ડ્યુટીમાં રાહત કેટલીક કંપનીઓને આપવામાં આવતી હોય છે, પણ એ ડેટા સેન્ટરને આપવામાં આવતી હોય છે. અમારા વિભાગ તરફથી ITને ક્યારેય એવો લાભ આપવામાં આવ્યો નથી. આ કંપનીને તો નહીં જ નહીં. ૫૦૦ રૂપિયાના પેપર પર એ સ્ટૅપ-ડ્યુટી માફ કરવામાં આવી એવા જે દાવા કરવામાં આવે છે એની સાથે અમારો ડિપાર્ટમેન્ટ સહમત નથી.


