મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં જન્મના એક જ કલાકમાં બાળકી પર કરવામાં આવી સર્જરી : બાળકીને બચાવવા માટે તાત્કાલિક સર્જરીની જરૂર હતી અને એ કરાઈ

મારા રિપોર્ટ પછી બાળકીની કન્ડિશન જોઈને ડૉક્ટરોએ તેનો સમયસર ઇલાજ કરીને તેને નવું જીવન આપ્યું છે. મારું સંતાન હાલમાં એકદમ સ્વસ્થ છે.’ પ્રિયા ઘોરપડે, બાળકીની મમ્મી
મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં હાયપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રૉમ ધરાવતી નવજાત બાળકીના જન્મના એક કલાક પછી જ તેની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. હૉસ્પિટલના પીડિયાટ્રિક કાર્ડિયોલૉજિસ્ટની બનેલી ટીમની મદદથી સર્જરી કરવામાં આવી હતી જે છ કલાક ચાલી હતી. ડિલિવરી પહેલાં કરવામાં આવેલી ફૅટલ ઇકો ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે બાળકીમાં હૃદયની જન્મજાત ખામી હતી અને તેને બચાવવા માટે તાત્કાલિક સર્જરીની જરૂર હતી.
સોલાપુરમાં રહેતી પ્રિયા ઘોરપડેની ગર્ભાવસ્થાના ૩૬મા સપ્તાહમાં ગર્ભની ઇકોકાર્ડિયોગ્રામ ટેસ્ટ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે તેના બાળકને હૃદયની ખામીઓ છે. એ પછી ઘોરપડે પરિવારે ડિલિવરી માટે મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં ફરીથી ગર્ભનો ઇકો-કાર્ડિયોગ્રામ થયો જેમાં બાળકને હાયપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રૉમમાં હૃદયમાં ખામી જોવા મળી હતી. સામાન્ય રીતે હાયપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રૉમ સાથે જન્મેલાં બાળકોના હૃદયની ઉપરની બે ચેમ્બરને જોડતું એક કાણું તો હોય છે જે સર્વાઇવલ માટે બહુ જરૂરી હોય છે, પણ આ બાળકીના કિસ્સામાં એ પણ નહોતું. એને કારણે ફેફસાંમાંથી ઑક્સિજનેટેડ લોહી હૃદયમાં અને હૃદયમાંથી પાછું બૉડીમાં જવાનું લગભગ અસંભવ થઈ જાય છે. એ દૃષ્ટિએ આ કેસ વધુ રિસ્કી અને કૉમ્પ્લિકેટેડ હતો એટલે બાળકીનો જીવ બચાવવા માટે ડિલિવરી પછી તરત જ ઇમર્જન્સી સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ફોર્ટિસ હૉસ્પિટલના પીડિયાટ્રિક કાર્ડિયોથોરાસિક ડૉ. ધનંજય માલણકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે આવેલા રિપોર્ટ પ્રમાણે બાળકીને બચાવવા માટે ઇમર્જન્સી સર્જરી કરવી ખૂબ જરૂરી હતી. એટલે અમે ડિલિવરી પહેલાં તમામ ડૉક્ટરોની ટીમ સાથે બાળકીનો ઑપરેશન રૂમ તૈયાર રાખ્યો હતો. ઓપન હાર્ટ સર્જરી પહેલાં સુરક્ષિત ડિલિવરી કરવા તેમ જ બાળકીની સ્થિતિને સ્થિર કરવા માટે એક મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમ તૈયાર કરવામાં આવી હતી. એ સાથે પ્રસૂતિશાસ્ત્ર અને નિયોનેટોલૉજી વિભાગની એક ટીમ સામેલ કરવામાં આવી હતી. બાળકીના જન્મના એક કલાકની અંદર અમે તેની હાર્ટ સર્જરી કરી હતી. આખરે ૧૧ દિવસ તેને વેન્ટિલેટર પર રાખ્યા પછી સર્જરીના ૨૧ દિવસ બાદ તેની તબિયતમાં ધીમે-ધીમે સુધારો આવી રહ્યો છે.
બાળકીની માતા પ્રિયા ઘોરપડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. મારા રિપોર્ટ પછી બાળકીની કન્ડિશન જોઈને ડૉક્ટરોએ તેનો સમય પર ઇલાજ કરીને તેને નવું જીવન આપ્યું છે. મારું સંતાન હાલમાં એકદમ સ્વસ્થ છે.’
મારા રિપોર્ટ પછી બાળકીની કન્ડિશન જોઈને ડૉક્ટરોએ તેનો સમયસર ઇલાજ કરીને તેને નવું જીવન આપ્યું છે. મારું સંતાન હાલમાં એકદમ સ્વસ્થ છે.’
પ્રિયા ઘોરપડે, બાળકીની મમ્મી