રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (એન.સી.પી.)ના અજિત પવાર જૂથે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને શરદ પવાર સાથે રહેલા ૧૦ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા માટે અરજી કરી છે.
હવે અજિત પવાર જૂથ તરફથી ૧૦ વિધાનસભ્યોને ડિસક્વૉલિફાય કરવા અરજી
મુંબઈ : રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (એન.સી.પી.)ના અજિત પવાર જૂથે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને શરદ પવાર સાથે રહેલા ૧૦ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા માટે અરજી કરી છે. અજિત પવાર જૂથ તરફથી એ અરજી વ્હીપ અનિલ પાટીલે ગુરુવારે કરી હતી.
તેમના દ્વારા કરાયેલી અરજીમાં વિધાનસભ્ય જયંત પાટીલ, જિતેન્દ્ર આવ્હાડ, રાજેશ ટોપે, રોહિત પવાર, અનિલ દેશમુખ, પ્રાજક્તા તાનપુરે, બાળાસાહેબ પાટીલ, સુનીલ ભુસારા, સંદીપ ક્ષીરસાગર અને સુમન પાટીલને અપાત્ર ઠેરવવા અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે આ પહેલાં જ શરદ પવાર જૂથે અજિત પવાર સાથે ગયેલા ૪૦ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની અરજી કરી છે.
રાજ્યની ૨૮૮ બેઠકો ધરાવતી વિધાનસભામાં રાષ્ટ્રવાદીની ૫૩ બેઠકો છે. એમાં હવે અજિત પવાર સાથે ૪૦ અને શરદ પવારના ૧૦ વિધાનસભ્ય છે, જ્યારે નવાબ મલિક અને સુમન પાટીલ તટસ્થ રહ્યાં છે. આમ રાષ્ટ્રવાદી કોની એની કાયદાકીય સાઠમારી વધુ ઇન્ટરેસ્ટિંગ બનતી જઈ રહી છે. બંને જૂથો તરફથી પાર્ટીના નામ અને ચિહન માટે દાવો કરાયો છે.


